- તંત્રને રજૂઆતો છતાં પણ સમસ્યાની ઉપેક્ષા
- અનુસૂચિત જાતિના સ્માશાનમાં પાણીના અગવડતાના કારણે છોડ સુકાઇ જવાની સંભાવના
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે અનુસૂચિ જાતિના સ્માશાનમાં પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ સુકાઇ રહ્યાં છે. પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ખામી હોવાથી છોડ સુકાઇ રહ્યો હોવાથી પાણીની લાઇન ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે અનુસુચિત જાતિના સ્માશાનના વિકાસ માટે ૨૦૨૪૦૨૦૨૫ માં ૪૯,૫૦૦ના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. પરંતુ પાઇપલાઇન નાખવાના કામને હજૂ માંડ ૮ મહિને પૂર્ણ થયું છે. ત્યાં પાણી પહોંચાડવા માટે પાઇપ લાઇન નાખવામાં આવેલી વાલ્વમાં ક્ષતિઓ ઉભી થઇ હતી. જયારે આ તરફ અનુસૂચિત જાતિના સ્માશાનમાં પાણીની પાઇપ લાઇન નાખી હોવાતી સ્થાનિકો દ્વારા અંદાજે ૩૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ પાણીના વાલ્વમાં ક્ષતિ થતાં હવે પાણીની આવક બંધ થઇ ગઇ છે. વૃક્ષારોપણ કરેલા ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ સર્જાયું છે.
સ્થાનિક લોકો દ્વારા પાણીની લાઇન હોવાછતાં અને છોડ પર સંક્ટથી બચાવવા માટે એક કિલોમીટર દૂરથી પાણી લાવવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત પાણીની પાઇપ લાઇન ફરીથી શરૂ કરવા માટે લેખિત રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઉપેક્ષા સેવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાયો છે અને તાત્કાલિક છોડમાં પાણી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.


