આણંદમાં 4 ઈંચ વરસાદ ખાબકતા 30 થી વધુ માર્ગો પાણીમાં ગરકાવ
- આણંદ મહાનગરપાલિકાનો ડિઝાસ્ટર પ્લાન માત્ર કાગળ ઉપર
- મનપાની 4 ટીમો પાણીના નિકાલ કરવા માટે કામે લાગી, નગરજનો હાલાકી વેઠવા મજબૂર
આણંદ જિલ્લામાં થયેલા વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે મંગળવારે સાંજ સમયે તિવ્ર ગતીએ ફૂંકાતા પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ આણંદમાં બુધવારે વહેલી સવારથી ફરી વરસાદ ખાબક્યો હતો. જેમાંં સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધીમાં અંદાજીત ચાર ઈંસથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે અચાનક વરસાદ ખાબકતા આણંદ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર પ્લાન માત્ર કાગળ ઉપર રહી જવા પામ્યો હતો. જેને પરિણામે, શહેરના મોટાભાગના વિસ્તારોના જાહેર માર્ગો તથા સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલાં જોવા મળ્યાં હતાં. જેમાં આણંદ અમૂલ ડેરી રોડ, કલેકટર કચેરી રોડ, ગણેશ ચોકડી, ઈસ્માઈલનગર , માણેજ વાળા સ્કૂલ પાછળ, પરિવાર પાર્ટી પ્લોટ, ૮૦ ફુટ રોડ, પાલિકાનગર રોડ, ૧૦૦ ફૂટ રોડ, બોરસદ ચોકડીની ઝુપડપટ્ટી, ચાવડાપુરા , અક્ષર ફાર્મ પાછળનો રોડ, રૂપાપુરા, રાજોડપુરા સહિત અન્ય વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તેમજ કેટલી સોસાયટીના રહીશોને રોજિંદા કામો માટે ઘરની બહાર જવું પણ મુશ્કેલ બની ગયું હતું. હજુ કમોસમી વરસાદમાં આવી સિૃથતિ સર્જાઈ રહી છે તો જ્યારે ચોમાસુ બેસે તો ભારે વરસાદમાં આણંદ શહેરની ખૂબ જ ખરાબ સિૃથતિ સર્જાશે તેવું આણંદના નગરજનો જણાવી રહ્યા છે સામાન્ય વરસાદે આણંદ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની પોલ ખુલ્લી પાડી દીધી હતી. જ્યારે બીજી તરફ આણંદ મહાનગરપાલિકા દ્વારા ચારથી વધુ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી.