કુડાસણમાં ટ્રાફિકને અડચણરૃપ લારી ગલ્લાંના ૩૦થી વધુ દબાણો હટાવાયા
મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનમાં અચાનક મેગા ડ્રાઈવ
સ્થાનિક વસાહતીઓની ફરિયાદ બાદ ઓચિંતા જ કરવામાં આવેલી કામગીરીને પગલે વેપારીઓમાં ફફડાટ
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનમા આવેલા કુડાસણમાં આજે અચાનક જ એસ્ટેટ શાખા દ્વારા મેગા દબાણ ડ્રાઇવ શરૃ કરવામાં આવી હતી. જેના પગલે લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે તંત્ર દ્વારા અહીંથી ૩૦થી વધુ લારી ગલ્લાના દબાણો જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આગામી દિવસમાં પણ આ કામગીરી ચાલું રાખવામાં આવનાર છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં દબાણનો પ્રશ્ન જુનો છે પરંતુ હાલ લારી ગલ્લાના દબાણોને કારણે ટ્રાફિકનો પ્રશ્ન તેમજ વસાહતીઓને હેરાન થવું પડી રહ્યું છે. જે સંદર્ભે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના રજૂઆત કરવામાં આવતી રહે છે ત્યારે આજે અચાનક જ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ એવા કુડાસણના રિલાયન્સ ચાર રસ્તા, અરબેનીયા મોલ, સરદાર ચોક આઈકોનિક રોડ, રક્ષા શક્તિ સર્કલ સહિતના વિસ્તારોમાં અચાનક જ એસ્ટેટ વિભાગની અલગ અલગ ટીમો ત્રાટકી હતી. જેના પગલે અહીં દબાણ કરીને ઊભા રહેલા લારી ગલ્લાના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે કોર્પોરેશન તંત્ર દ્વારા અહીંથી ૩૦ લારી ગલ્લાની સાથે ટેબલ ખુરશી સહિતનો સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને આગામી દિવસમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. નોંધવું રહેશે કે હાલ વરસાદની આ સિઝનમાં લારી ગલ્લા ઉપર વેચાતા ખાદ્ય પદાર્થોને કારણે રોગચાળો પણ ફેલાતો હોય છે. જેને અનુલક્ષીને આ પ્રકારનો વેપાર બંધ કરવા માટે દબાણ હટાવ ઝુંબેશ સક્રિય કરવામાં આવી છે. એટલું જ નહીં સ્થાનિકો દ્વારા પણ અહીં આ લારી ગલ્લાઓને કારણે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.