Gujarat

વિરમગામ શહેર સહિત તાલુકામાં 3 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

By GS TEAM
30 Jun 20251 min read
વિરમગામ શહેર સહિત તાલુકામાં 3 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

- નગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી

- પવનના સૂસવાટા અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ, ગોલવાડી- ભરવાડી દરવાજા, માંડલ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા

વિરમગામ : વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે સવારે વરસાદી માહોલ છવાયો હતો. પવનના સૂસવાટા અને વીજળીના કડાકા સાથે સવારે ૧૧ વાગે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વિરમગામ તાલુકામાં ૩ કલાકમાં ૩ ઈંચથી વધુ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 

વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો બાફ અને ઉકળાટથી ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે રવિવારે સવારથી સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા. આકાશમાં કાળા વાદળો ધસી આવ્યા હતા. સવારે ૧૧ કલાકની આસપાસ વીજળીના કડાક- ભડાકા, ભારેપવન સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ વરસાદના કારણે પંચમુખી હનુમાનજી ચોકડી, અક્ષરનગર સોસાયટી, એસટી બસ મથક, પરકોટા, નાના પરકોટા, ગોલવાડી દરવાજા, ભરવાડી દરવાજા, માંડલ રોડ, બાપાસીતારામની મઢુલી વિસ્તારોમાં ઢીંચણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. લોકોને ધંધા રોજગાર બંધ કરી દેવા પડયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.  મોઢની વાડી પાસે વરસાદી પાણી જવાના માર્ગ ઉપર મોટો બમ્પ બનાવી દેતા વરસાદી પાણી નિકાલમાં અવરોધ ઊભો થાય છે. જેના કારણે પરકોટા વિસ્તારમાં રેહણાક મકાનોમાં પાણી ઘૂસી જાય છે. પ્રિમોન્સૂન કામગીરીની તંત્રની પોલ ખૂલી ગઈ છે.