Gujarat

વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત

By GS TEAM
25 Mar 20261 min read
વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત

વડોદરાઃ વડોદરામાં આવતીકાલે રામનવમી નિમિત્તે અનેક સ્થળોએ શોભાયાત્રા અને ભંડારા જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હોવાથી શહેર પોલીસની મદદ માટે એસઆરપીની છ કંપની મૂકાઇ છે.

આવતીકાલે આઠમ અને નોમ ભેગા હોવાથી રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.જેને પગલે શહેરમાં સંવેદનશિલ સહિત જુદાજુદા વિસ્તારોમાં ભગવાન રામની ૨૩ સ્થળે શોભાયાત્રા નીકળનાર છે.આ ઉપરાંત ૧૦ સ્થળે ભંડારા માટે પોલીસની પરવાનગી લેવામાં આવી છે.

રામનવમીની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે શહેર પોલીસ કમિશનરે આજે ભૂતડીઝાંપા પોલીસ ગ્રાઉન્ડ ખાતે તમામ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.જેમાં બંદોબસ્ત માટે ઉપયોગમાં લેનારા ડ્રોન સહિતના સાધનોનું પણ નિદર્શન રાખવામાં આવ્યું હતું.

આવતીકાલે શહેરમાં એસઆરપીની છ કંપની ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત ૨૦૦૦ થી વધુ જવાનો અને પોલીસ અધિકારીઓ બંદોબસ્ત જાળવશે.પૂર્વ સંધ્યાએ ઠેરઠેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા દરમિયાન તોફાન થયા હોઇ પોલીસ તોફાનીઓ પર નજર,ડ્રોન સર્વેલન્સ

શહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ભૂતકાળમાં હુમલાના બનાવ અને તોફાન થયા હોવાથી અશાંતિ ફેલાવનારા તત્વો પર પોલીસ નજર રાખી રહી છે.કેટલાક તત્વોને રાઉન્ડઅપ કરવાની પણ તજવીજ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત ચાર દરવાજા સહિતના સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી રસ્તા,પોળો અને ધાબાઓ પર સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.