પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે

- કાશ્મીરના પહેલગામની ઘટના બાદ સરહદી કચ્છમાં વધુ સર્તકતા
- 60 ટકા ગામોમાં પોલીસની તીસરી આંખથી નિગરાણી 2 મહિનામાં સંપૂર્ણ પૂર્વ કચ્છ થઈ જશે સીસીટીવીથી સજ્જ
- આગામી ૨૬મી જાન્યુઆરી પહેલા ચાર હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવી પૂર્વ કચ્છને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે : પોલીસનો ટાર્ગેટ
આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સાથે વાત કરતાં તેમણે માહિતી આપી હતી કે, કચ્છમાં નાપાક હરકતો થતી અટકાવવા બોર્ડર પર આવેલા ગામોમાં સીસીટીવી લગાવવાનું નક્કી કર્યું હતું. તેમજ પૂર્વ કચ્છમાં થતી ગુનાખોરીને અટકાવવા અને ગુનાનું ડિટેકશન વધારવા ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી કેમેરા લગાવવા ખૂબ જ આવશ્યક બની ગયા હતા. જેથી સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ૬ મહિના પહેલા લોકભાગીદારીથી આ કામની શરૂઆત કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસની રેન્જમાં આવતા કુલ ૨૯૪ ગામોમાં એક સાથે આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લોકોને અપીલ કરાઇ હતી કે તેઓ સીસીટીવી કેમેરા લગાવવાનું બીડું ઉપાડે અને પોતાની ભાગીદારી નોંધાવી પોતાના ગામમાં સીસીટીવી કેમેરા લગાવે. આ અપીલ ખૂબ અસરકારક સાબિત થઈ છે અને લોકોએ, દાતાઓએ અને ગ્રામ પંચાયતોએ ખૂબ સારો સહયોગ આપ્યો છે. જેના કારણે આજે ૨૯૪ ગામો માથી ૧૭૭ ગામોમાં તો ૨૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લાગી પણ ગયા છે. જ્યારે ૧૧૭ ગામોમાં ૧૨૦૦ જેટલા કેમેરા લગાવવાનું કામ ચાલુમાં છે. પોલીસે રાખેલા ટાર્ગેટ મુજબ આગામી ૨૬મી જાન્યુઆરી પહેલા પૂર્વ કચ્છના ૨૯૪ ગામોમાં ૪૦૦૦થી વધુ કેમેરા લાગી જાય. જે માટે હજુ પણ જે સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે તે માટે દાતાઓ આગળ આવે અને લોક ભાગીદારી નોંધાવે તેવી અપીલ પણ કરાઇ હતી.
પોલીસે કરેલા દાવાઓ મુજબ જો પૂર્વ કચ્છના તમામ ગામોમાં સીસીટીવી લાગી જાય તો ક્રાઇમ રેટ ખૂબ ઓછો થઈ શકે છે. ચોરી, લૂંટ, છેડતી જેવા બનાવો પૂર્વ કચ્છના ગ્રામ્ય વિસ્તારો માથી નહિવત બની જશે. વળી આ કેમેરાઓના કારણે ગુનાઓના ડિટેકશનની સંખ્યા પણ વધી જશે, લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ખૂબ જરૂરી છે. પૂર્વ કચ્છમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધુ હોવાથી સમગ્ર ગુજરાતમાં સીસીટીવી કેમેરાના કારણે ગુના શોધવામાં પૂર્વ કચ્છ અવ્વલ નંબરે આવે છે અને હવે આવતા લગભગ ૨ મહિનામાં પૂર્વ કચ્છના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી લાગી જશે તો ગુનાઓ બનતા અટકાવવામાં અને પોલીસને ગુનાઓના આરોપીઓને શોધવામાં વધુ મદદ મળતી થઈ જશે.
પૂર્વ કચ્છના મંદિરોમાં સીસીટીવી લગાવવા ખાસ અપીલ
પૂર્વ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા મંદિરોને તસ્કરો નિશાન બનાવતા હોય છે. વળી સરહદી વિસ્તારોમાં આવતા ગામોમાં આવેલા મંદિરોમાં કોઈ અનિચ્છનીય વ્યક્તિ આશરો લે તેવી પણ શક્યતા રહેતી હોય છે. આ ઉપરાંત તસ્કરો દુર્ગમ વિસ્તારમાં આવતા મંદિરોને આસાનીથી ટાર્ગેટ બનાવી લેતા હોવાથી મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તે ખાસ જરૂરી હોવાથી ગ્રામ પંચાયતો અને દાતાઓને મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ ખાસ અપીલ કરાઇ હતી.
બોર્ડર એરિયો સંપૂર્ણ સુરક્ષિત- હાઈટેક સીસીટીવી લગાવી દેવાયા
બોર્ડર વિસ્તારમાં આવતા ખડીર પોલીસની હદમાં આવતા ૮ અને નાની-નાની વાંઢોમાં ૭૭ સીસીટીવી કેમેરા ઉપરાંત ૧ એએનપીઆર (હાઈટેક) કેમેરો અને બાલાસર પોલીસની હદમાં આવતા ૨૦ ગામોમાં ૨૨૫ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં આવતી હોટલ અને વ્યાવસાયિક રીતે ચાલતા સ્થળો પર ખાસ કરીને કેમેરા લગાવવામાં આવે તેવું પણ સૂચન અપાયું છે. પૂર્વ કચ્છની વાત કરીએ તો અત્યારે સૌથી વધુ બોર્ડર વિસ્તારના ગામોમાં જ સીસીટીવી લગાવાયા છે. સ્થાનિક પોલીસે ખૂબ સારી મહેનત કરી છે અને લોકોએ ખૂબ સારો સહકાર પણ આપ્યો છે. લાયક અધિકારીઓને આ કામગીરી સોંપવામાં આવી હોવાથી ખૂબ સુંદર કામગીરી કરાઇ હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.

