200 થી વધુનો પોલિંગ સ્ટાફ ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકે રવાના

- ધોળકાની 6 ગામની સામાન્ય-પેટા ચૂંટણી સંદર્ભે
- વટામણ અને કૌકા મતદાન મથક સંવેદનશીલ : સહીજ અને પીસાવાડામાં સામાન્ય અન્ય ચાર ગામમાં પેટા ચૂંટણી
બગોદરા : ધોળકા તાલુકામાં આવેલી ૬ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે તા. ૨૨ જૂનના રોજ મતદાન થનાર છે અને તેના માટે ધોળકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આજ રોજ તા. ૨૧/૦૬/૨૦૨૫,શનિવારે બપોરે એક વાગે ધોળકા ખાતે મીઠીકુઇ વિસ્તારમાં આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઉભા કરાયેલા ડીસ્પેચ સેન્ટર ખાતે ૨૦૦થી વધુનો પોલિંગ સ્ટાફ હાજર રહ્યો હતો. જેમને ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોષી અને મામલતદાર સિદ્ધાર્થભાઈ ત્રિવેદીએ ચૂંટણી લક્ષી જરૂરી સૂચના આપી હતી. ત્યારબાદ પોલિંગ સ્ટાફ તેમના નિયત મતદાન મથકોએ ચૂંટણી સામગ્રી સાથે રવાના થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સહીજ અને પીસાવાડા ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જ્યારે અન્ય ચાર ગામોમાં પેટા ચૂંટણી યોજાશે. કૌકા અને ઉતેલીયા ગામોમાં સરપંચની પેટા ચૂંટણી યોજાનાર છે. કુલ ૧૩ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી બે મતદાન મથકો સંવેદનશીલ છે. જેમાં વટામણ અને કૌકાનો સમાવેશ થાય છે. તા. ૨૨ મી જૂને ૧૧૮૭૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તંત્ર દ્વારા ૨૦૦ થી વધુ પોલિંગ સ્ટાફને આ ચૂંટણી માટે નિયુક્ત કરાયો છે. ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ૩ પોલીસ અધિકારી અને ૧૫ પોલીસ તથા ૧૫ હોમગાર્ડ મુકાશે અને ૨૦ રિઝર્વ પોલીસ રખાશે. કોઠ પોલીસ સ્ટેશન દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે તારે બાવળા ના ભમાસરા ગામે સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે.









