વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 1500 થી વધુ સ્ટાફને સફાઈની કામગીરી સોંપાઈ

- રાજકોટ અને જામનગરથી 200 સફાઈ કર્મચારીને બોલાવાયા
- વડાપ્રધાનના રૂટ, જાહેર સભા, વાઘાવાડી રોડ સહિતના સ્થળે સફાઈ કામગીરી હાથ ધરાઈ
ભાવનગર : ભાવનગર શહેરમાં વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે મહાપાલિકાએ સફાઈ કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે અને સફાઈ કામગીરી માટે બહારગામથી પણ અન્ય સફાઈ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે.
મહાપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમના પગલે સફાઈ કામગીરીનુ આયોજન કરવામાં આવેલ છે અને ૧પ૦૦ થી વધુ કર્મચારીને સફાઈની જવાબદારી સોંપાઈ છે, જેમાં ૧૦રપ મહાપાલિકાના સફાઈ કર્મચારી છે, જયારે ૩ર૦ આઉટસોર્સીંગના કર્મચારી, રાજકોટ અને જામનગરથી ર૦૦ કર્મચારી બોલાવવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓને વડાપ્રધાનના રોડ શો, જાહેર સભા, વાઘાવાડી રોડ સહિતના રોડ પર સફાઈ હાથ ધરવામાં આવી હતી.
આવતીકાલે શનિવારે વહેલી સવારે પણ શહેરના જુદા જુદા વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવશે તેમ માહિતી આપતા મહાપાલિકાના અધિકારીએ જણાવેલ છે. હાલ શહેરના મોટાભાગના રોડ સ્વચ્છ જોવા મળી રહ્યા છે.