આરટીઓનો સપાટો: નિયમ ભંગ બદલ 15 હજારથી વધુ વાહનચાલકોને રૂ. 74.81 લાખનો દંડ ફટકાર્યો
ઓવરલોડ દોડતા વાહનો સામે 285 કેસો કરી 34.78 લાખનો દંડ ફટકાર્યો
ઓવર સ્પીડ,ઓડીસી, પરમિટ, રોડ સેફટી, ફિટનેસ મામલે કાર્યવાહી, 71 વાહનો ડિટેઇન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દરજીપુરા વડોદરા દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી પાછલા એક મહિનામાં એમવી એક્ટની વિવિધ કલમો હેઠળ 15 હજારથી વધુ કેસો કરી પાસેથી રૂ. 74.81 લાખ ઉપરાંતનો દંડ વસૂલાયો છે.
વડોદરા આરટીઓની વિવિધ ટીમોએ ગત જુલાઈ મહિના દરમિયાન નેશનલ હાઇવે આસપાસ, જિલ્લાના ટોલ પ્લાઝા સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન ઓવરલોડ વાહનના 285 કેસો કરી રૂ.34,78,544, ઓડીસી (ઓવર ડાયમેન્શનલ)ના 114 કેસો કરી રૂ. 4,76,600, પરમીટના 68 કેસો કરી રૂ.5,89,800, ઓવરસ્પીડના 628 કેસો કરી રૂ.14,70,500, રોડ સેફટીના 25 કેસો કરી રૂ.32,400, ફિટનેસના 47 કેસ કરી 3,32,400 તથા અન્ય 363 કેસો સાથે રૂ .11,01, 300ના દંડની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત 71 વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. આમ, આરટીઓ વિભાગે બેદરકારી દાખવનાર વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરી પાછલા એક મહિનામાં નિયમ ભંગ બદલ કુલ 1530 કેસો સાથે રૂ. 74,81, 544નો દંડ ફટકાર્યો હતો. આ અંગે આરટીઓ ઓફિસર જીગર પટેલનું કહેવું હતું કે, વડી કચેરીની સૂચના અંતર્ગત કાર્યવાહી થઈ રહી છે, આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખી બેદરકારી દાખવનાર વાહનચાલકો સામે વધુ કેસો કરાશે.