Get The App

બાલાસિનોરમાં એમડી પેથોલોજિસ્ટ વગર જ ધમધમતી 15 થી વધારે લેબોરેટરીઓ

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં એમડી પેથોલોજિસ્ટ વગર જ ધમધમતી 15 થી વધારે લેબોરેટરીઓ 1 - image

- કાયદો હોવા છતાં આરોગ્ય વિભાગના આંખ આડા કાન

- બીએસસી અને ડીએમએલટી થયેલા ટેકનિશિયનોના ભરોસે થઇ રહેલા લોહીની તપાસના ગંભીર રિપોર્ટ  

બાલાસિનોર : મહિસાગર જિલ્લાના મહત્વના તાલુકા મથક બાલાસિનોર શહેરમાં હાલમાં પેથોલોજિસ્ટની કાયદેસરની ડિગ્રી વગર જ ટેકનિશિયનોના સહારે ૧૫થી વધુ લેબોરેટરીઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહી હોવાની વિગતો સામે આવી છે. આવી લેબોરેટરીઓ સામે પગલાં લેવા માટે સરકારે કાયદો ઘડયો હોવા છતાં આરોગ્ય વિભાગ આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.

બાલાસિનોર શહેરમાં નાના-મોટા સંખ્યાબંધ દવાખાના ચાલે છે. જ્યાં દરરોજ નિદાન અને સારવાર કરાવવા આવતા સેંકડો દર્દીઓને લોહી, યુરિન સહિતની લેબોરેટરી તપાસની જરૂર પડે છે. સરકારના નિયમ અનુસાર આવા રિપોર્ટ પર સહી કરવાની સત્તા અને જવાબદારી એમડી પેથોલોજિસ્ટની હોય છે. પરંતુ બાલાસિનોરના વિવિધ વિસ્તારમાં ચાલતી નાની-મોટી ૧૫થી વધારે લેબોરેટરીઓમાં ક્યાંય નિયમ અનુસાર તબીબ નથી. બીએસસી કે ડીએમએલટી થયેલા ટેકનિશિયનો જ તમામ પ્રકારના રિપોર્ટ કરે છે. અમુક ગંભીર બિમારીના રિપોર્ટ પણ આવી રીતે જ થઇ રહ્યાં છે. બાલાસિનોરમાં આરોગ્ય વિભાગ દ્વારા આજ સુધીમાં ક્યારેય આ અંગેની તપાસ કરવામાં આવી નથી. જેના કારણે દરરોજ સેંકડો દર્દીઓના રિપોર્ટ અયોગ્ય રીતે થઇ રહ્યા છે. ઘણી લેબોરેટરીઓ સ્વતંત્ર રીતે ચાલે છે. કેટલીક લેબોરેટરીઓ દવાખાના સાથે જ ચાલે છે.

ત્રણેક લેબોરેટરીની અગાઉ નોંધણી થયેલી છે, હવે ચેકિંગ શરૂ કરાશે

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પટેલિયાએ આ અંગે જણાવ્યું છે કે, ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ હેઠળ એમડી થયેલા તબીબ અને ત્રણ વર્ષનો મેડિકલ કોલેજની કામગીરીનો અનુભવ હોય તેવા તબીબ જ કાયદેસર રીતે લેબોરેટરી ચલાવી શકે છે. આરોગ્ય વિભાગ આવી લેબોરેટરીઓની જ નોંધણી કરીને મંજૂરી આપશે. આ કાયદો અમલી બન્યો તે પહેલાં શહેરમાં ત્રણ લેબોરેટરી નોંધયેલી હતી. આરોગ્ય વિભાગને આ સત્તા આપવામાં આવતા હવે શહેરની તમામ લેબોરેટરીની તપાસ શરૂ કરવામાં આવશે. આ માટે ટીમની રચના પણ કરી લેવામાં આવી છે.