ગુજરાતમાં 15,000થી વધારે બેન્કકર્મીઓની તા. 27ના હડતાળ

સોમથી શુક્ર 5 દિવસનું સપ્તાહ કરવાની માંગ સાથે LIC, શેરબજાર, રિઝર્વ બેન્કમાં અમલ પણ બેન્કોને ઈન્કાર : હડતાળના પગલે સળંગ 4દિવસ બેન્કો બંધ રહેશે
રાજકોટ, : દેશની સરકારી બેન્કોમાં સોમવારથી શુક્રવાર 5 દિવસનું સપ્તાહ અને દરેક શનિ-રવિ રજા અંગે 3 વર્ષ અગાઉ એગ્રીમેન્ટ છતાં તેનો અમલ નહીં થતા બેન્ક યુનિયનની છેલ્લી વાટાઘાટો નિષ્ફળ થયાની આજે સાંજે જાહેરાત થતા હવે રાજકોટના 15000 સહિત સૌરાષ્ટ્રના 5500 અને ગુજરાતના આશરે 15000થી વધુ અને દેશમાં 8 લાખ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ સજ્જડ હડતાળ પાળશે તેમ આજે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને જાહેર કર્યું છે.
આવતીકાલ તા. 24ના ચોથા શનિવારની રજા, તા. 25ના રવિવાર અને તા. 26ના સોમવારે પ્રજાસત્તાક દિનની રજા બાદ હવે મંગળવાર તા. 27ના હડતાળના એલાનના પગલે સળંગ 4 દિવસ બેન્કો બંધ રહેશે જેના પગલે ચેક ક્લીયરીંગ તથા એકાઉન્ટ સંબંધી ફરજીયાત રૂબરૂ કરવાની કામગીરીને માઠી અસર પહોંચી શકે છે. આ અંગે યુનિયને અગાઉથી દિલગીરી વ્યક્ત કરી છે.
બેન્ક કર્મચારી સંગઠને જણાવ્યું કે શેરબજાર, એલ.આઈ.સી. અને ખુદ રિઝર્વ બેન્કમાં પાંચ દિવસનું સપ્તાહ અમલી છે. અગાઉ આઈ.બી.એ.સાથે થયેલી સમજુતિ મૂજબ મહિનાના બીજા ચોથા શનિવારને બદલે બધા શનિવારે રજા રાખવા અને વિકલ્પે સોમવારથી શુક્રવાર બેન્ક કર્મચારીઓ રોજ 40 મિનિટ વધુ કામ કરે તેવી સહમતિ સાધવામાં આવી હતી. પરંતુ, સરકાર તેનો અમલ કરવા માંગતી નથી.








