ઊંઘમાં રહેલી કોર્પોરેશનની ફૂડ સેફટી શાખા જાગી ગઈ
નવા અને જૂના વિસ્તારોમાં ટીમોએ દરોડા પાડીને લારીઓમાંથી અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો ઃ ઝુંબેશ ચાલુ રખાશે
ગાંધીનગર શહેરમાં તાજેતરમાં વધી રહેલા પાણીજન્ય રોગચાળા અને
ખાસ કરીને ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા આજે કડક
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા
સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થો
વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંકલન સાધીને એસ્ટેટ શાખા દ્વારા
આગામી સૂચના ન મળે ત્યાં સુધી,
પાણીપુરી, બરફના
ગોળા અને સોડા જેવી ચીજવસ્તુઓ વેચતા એકમોને બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે.
આ સઘન ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા કુલ ૧૦૦થી વધુ લારીઓ અને
સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભી રહેતી ૭૫ જેટલી
પાણીપુરી અને રગડાની લારીઓ,
૧૨ સોડા સેન્ટર, ૮ પ્રેમ
મેવાડ ફ્ટ સલાડ અને બદામ શેકના સ્ટોલ તથા ૬ બરફના ગોળાની લારીઓનો સમાવેશ થાય છે. આ
તમામ એકમોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.આ કામગીરી સમગ્ર ગાંધીનગર
વિસ્તારને આવરી લેતા હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે સેક્ટર ૨, ૩, ૬, ૭, ૮, ૧૧, ૧૩, ઘ-૫ સર્કલ, સેક્ટર ૨૧, ૨૨, ૨૪, અક્ષરધામ વિસ્તાર, ડી-માર્ટ વિસ્તાર, સેક્ટર ૨૫ અને ૨૮
ગાર્ડન વિસ્તાર, તેમજ
સેક્ટર ૨૬ અને ૨૭ નો સમાવેશ થાય છે. રોગચાળો કાબુમાં ન આવે ત્યાં સુધી આ પ્રકારની
ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.


