- સંતકૃપા સોસાયટી પાસે ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા
- ગરમીમાં લોકો શેકાયા, મિણબત્તીમાં રાત વિતાવી : પીજીવીસીએલના આયોજનના અભાવ સામે આક્રોશ
સાયલા : સાયલા હાઈવે ઉપર પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા ૨૮ કલાકથી વીજ પુરવઠો બંધ રહ્યો છે. વીજ પુરવઠો બંધ રહેતા ૧૦૦થી વધુ મકાનો, હાઈવે પરની દુકાનો- હોટેલોને મિણબત્તીમાં રાત વિતાવવાની નોબત આવી છે. છતાં તંત્ર દ્વારા વીજ પ્રવાહ ચાલુ કરવા કોઈ નક્કર આયોજન નહીં કરાતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.
સાયલા હાઇવે ઉપર આવેલી સંતકૃપા સોસાયટી પાસે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં ફોલ્ડ સર્જાતા રાજ શૌભાગ ફીડર બંધ રહેતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તા. ૪ ઓક્ટોબરના રોજ બપોરના ૧ વાગ્યે ટ્રાન્સફોર્મરમાં અચાનક ખામી સર્જાઇ હતી. જેથી સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો. આ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલો છે. તેમજ શોરૂમ, વેલ્ડિંગ- ગેરેજ કામ, નાના-મોટા ધંધાર્થીઓ પણ વ્યાપક પ્રમાણમાં વિસ્તારમાં આવેલા છે. વીજ પ્રવાહ બંધ રહેતા ગેરેજ કામથી લઈ તમામ ધંધામાં સીધી અસર જોવા મળી હતી. વિસ્તારમાં ૧૦૦ કરતાં પણ વધારે રહેણાંક મકાનો આવેલા હોવાથી ૨૮ કલાક લાઈટો બંધ રહેતા પરિવારો ગરમીમાં શેકાવા સાથે મિણબત્તી સળગાવી રાત વિતાવવાની નોબત આવી હતી. રાતે અન્ય એક ટીસી મુકતા તે પણ થોડા કલાકોમાં જ બંધ થઈ ગયું હતું. રવિવારે સાંજે ૭ વાગ્યા સુધી વીજ પ્રવાહ ચાલુ કરવા બાબતે કોઈ નક્કર આયોજન નહીં કરાતા સ્થાનિકોમાં પીજીવીસીએલ સામે આક્રોશ ફેલાયો હતો.


