મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર

ઈરાન-ઇઝરાયલ-અમેરિકાનાં યુદ્ધની માઠી અસર
પેપરમિલ ઉદ્યોગમાં આયાત-નિકાસ ઠપ્પ, એક્સપોર્ટના ચાર્જમાં ૨૦૦૦ ડોલરના વધારાથી વિકટ સ્થિતિ, ૧૦,૦૦૦ મજૂરોની રોજીરોટી પર જોખમ
ગેસ સપ્લાય પ્રભાવિત થતાં મોરબી સિરામિક ઉદ્યોગ ભયંકર ગેસ કટોકટીનો સામનો કરી રહ્યો છે, જે અંગે સિરામિક એસોસીએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું કે, યુદ્ધની સ્થિતિમાં હાલ ૧૦૦ યુનિટ બંધ થઇ ગયા છે અને ૫૦૦૦થી વધુ શ્રમિકો બેરોજગાર બની ગયા છે. નવી સપ્લાય નહિ મળે તો આગામી ૪-૫ દિવસમાં વધુ યુનિટો બંધ થશે અને લગભગ ૧૦ દિવસ બાદ તમામ ૧૧૦૦ જેટલા સિરામિક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ નહિ મળે તો તમામ એકમો બંધ કરવા પડશે. એટલું જ નહિ ગલ્ફ દેશોમાં થતું એક્સપોર્ટ પણ બંધ છે અને ગલ્ફ દેશોમાંથી પસાર થઈને યુરોપ સહિતના દેશોમાં થતું એક્સપોર્ટ પણ બંધ જેવી સ્થિતિમાં છે, જેથી બેવડો માર પડી રહ્યો છે. હાલ એક્સપોર્ટ ઓર્ડર સ્થગિત કરવાની ફરજ પડી છે અને ક્યારે લોડીંગ થશે તે કહી શકાય તેમ નથી.
ઈરાન યુધ્ધથી મોરબીના પેપરમિલ ઉદ્યોગને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પેપરમિલ એસોસીએશનના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે, પેપરમિલ ઉદ્યોગમાં વપરાતું રો-મટિરિયલ્સ ઈમ્પોર્ટ કરવામાં આવે છે અને શિપ રૂટ બંધ થવાને પગલે મુશ્કેલી સર્જાઈ છે. એક્સપોર્ટના ચાર્જમાં ૨૦૦૦ ડોલર જેટલો વધારો થયો છે, જે બોજ સહન કરી શકાય તેમ નથી. મોરબીમાં ૫૨ પેપરમિલનું ૫૦૦૦ કરોડનું વાષક ટર્નઓવર છે અને ૧૦ હજાર શ્રમિકોને રોજગારી પૂરી પાડે છે. શિપના ભાડા વધી ગયા છે, એટલું જ નહિ કોલસાના ભાવમાં રૂા. ૧૦૦૦ સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. વેસ્ટમાં નવા ઓર્ડર લેવાનું બંધ કર્યું છે અને હાલ ઉદ્યોગપતિઓ વેઇટ એન્ડ વોચ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
સિરામિક ઉદ્યોગમાં 10 લાખ લોકોની રોજગારી પર અસર
ગેસ કટોકટી અંગે સિરામિક ઉદ્યોગકારો જણાવે છે કે, હાલ ગેસ પુરવઠો પૂરો થવામાં છે. હાલ ગુજરાત ગેસ તરફથી ૫૦ ટકા એટલે ૫૦ હજાર ક્યુબિક મીટર ગેસ જ મળશે. જો ગેસ કટોકટીનું નિવારણ નહિ આવે તો તમામ સિરામિક ફેક્ટરીઓ બંધ થશે, જેથી ૧૦ લાખ લોકોની રોજગારી પર અસર થશે. જેમાં ૪ લાખ શ્રમિકો સીધા સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા છે, બાકીના આનુસંગિક ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છે.








