લોક અદાલતમાં 1 લાખથી વધુ કેસોનો નિકાલ, સમાધાનથી રૂ.67.06 કરોડનું સેટલમેન્ટ
વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ
અકસ્માતના 143 તથા એનઆઈ એકટના 3157 કેસોમાં સમાધાન
આજે દિવાળીપુરા કોર્ટ સંકુલમાં આ વર્ષની બીજી મેગા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 57,410 કેસો પૈકી 55,584 કેસોના નિકાલ સાથે 67.06 કરોડનું સેટલમેન્ટ થવા પામ્યું હતું.
નેશનલ લીગલ સર્વસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ચેરમેન વી.કે.પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલ લોક અદાલત સમક્ષ કુલ 57,410 કેસો રજૂ થયા હતા. જેમાં અકસ્માતના 143 તથા એનઆઈ એકટના 3157 કેસો મળી કુલ 4104 કેસોમાં સમાધાન થયું હતું. જ્યારે 51,480 કેસ સ્પેશિયલ સેટિંગ એમ વડોદરા જિલ્લાના પેન્ડિંગ કેસો પૈકી 55,584 કેસોનો નિકાલ થયો છે. તેમજ કોર્ટમાં ન આવ્યા હોય તેવા પ્રિલિટીગેશનના મળી કુલ 1,02,085 કેસોનો સમાધાનથી નિકાલ થયો હતો. આ ઉપરાંત ટ્રાફિક નિયમ ભંગ અંગેના 97,562 ચલણની રકમ ભરપાઈ થઈ હતી. લોક અદાલતમાં સમાધાનથી રૂ.67,06,58,127 રકમનું સેટલમેન્ટ થયું હતું. જ્યારે 25 વર્ષ જુના બે પડોશીઓ વચ્ચેના વિવાદમાં અપીલ સમાધાનથી પૂર્ણ થઈ હતી. તથા એક કેસમાં રૂ .65 લાખ અને અન્ય એક કેસમાં રૂ. 45 લાખમાં સમાધાન થયું હતું.