Get The App

હાઇકોર્ટમાં ૧.૫૮ લાખ અને લોઅર કોર્ટોમાં ૧૯ લાખથી વધુ કેસો પેન્ડીંગ, રાજયસભામાં સામે આવી ચોંકાવનારી વિગતો

Updated: Aug 6th, 2022

GS TEAM

Google News
Google News
હાઇકોર્ટમાં ૧.૫૮ લાખ અને લોઅર કોર્ટોમાં ૧૯ લાખથી વધુ કેસો પેન્ડીંગ, રાજયસભામાં સામે આવી ચોંકાવનારી વિગતો 1 - image

અમદાવાદ,તા.06 ઓગષ્ટ 2022,શનિવાર

રાજયસભામાં બિનતારંકિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય કાયદા પ્રધાન દ્વારા દેશમાં તમામ રાજયોની હાઇકોર્ટ અને તમામ નીચલી કોર્ટોમાં પડતર કેસોની સંખ્યાને લઇ બહુ મહત્વની અને ચોંકાવનારી વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. જે મુજબ, દેશના તમામ રાજયોની હાઇકોર્ટોમાં મળી કુલ ૫૯ લાખ, ૫૫ હજાર, ૯૦૭ કેસો પેન્ડીંગ છે, જે પૈકી ગુજરાત હાઇકોર્ટમાં એક લાખ, ૫૮ હજાર ૫૧૨ કેસો  પેન્ડીગ છે. જયારે દેશની તમામ નીચલી અદાલતોમાં મળી કુલ ચાર કરોડ, ૧૩ લાખ, ૫૩ હજાર, ૨૪૨ કેસો પેન્ડીંગ છે, જે પૈકી ગુજરાતની તમામ નીચલી કોર્ટોમાં મળી કુલ ૧૯ લાખ, ચાર હજાર, ૩૧૯ કેસો પડતર બોલે છે, આમ, ગુજરાત સહિત દેશભરના  તમામ રાજયોની હાઇકોર્ટ અને તમામ નીચલી કોર્ટોમાં પેડતર કેસોની સ્થિતિ બહુ ચિંતાજનક અને ગંભીર છે. જયુડીશરી પણ પડતર કેસોના નિકાલ માટે બનતા પ્રયાસો કરી રહી છે પરંતુ તેમછતાં કેસોનું ભારણ કોર્ટો પર બહુ નોંધપાત્ર રીતે વધી રહ્યુ હોવાનું ચિત્ર સામે આવ્યું છે. 

દેશની હાઇકોર્ટો અને નીચલી કોર્ટોમાં મળી લગભગ પોણા પાંચ કરોડ કેસો પડતર : પેન્ડીંગ કેસોની સ્થિતિ ચિંતાજનક 

દેશના ન્યાયતંત્રને લઇ રાજયસભામાં જાહેર થયેલી મહત્વની વિગતો મુજબ, દેશની તમામ રાજયોની હાઇકોર્ટ અને નીચલી કોર્ટો મળી લગભગ પોણા પાંચ લાખ કેસો પડતર નોંધાયા છે, આમ દેશના ન્યાયતંત્રમાં પેન્ડીંગ કેસોની સ્થિતિ બહુ ગંભીર અને ચિંતાજનક રીતે સામે આવી રહી છે. ગુજરાત હાઇકોર્ટમાં જે એક લાખ, ૫૮ હજાર, ૫૧૨ કેસો પેન્ડીંગ છે, તેમાં સિવિલ કેસો  ૧,૦૩,૪૯૪ અને ક્રિમીનલ કેસોની સંખ્યા ૫૫,૦૧૮નો સમાવેશ થાય છે. આ જ પ્રકારે રાજયની નીચલી કોર્ટોમાં કુલ ૧૯ લાખ, ચાર હજાર, ૩૧૯ કેસો પેન્ડીંગ છે, તેમાં સિવિલ પ્રકારના ૪,૫૧,૫૮૧ કેસો અને ફોજદારી પ્રકારના ૧૪,૫૨,૭૩૮ કેસોનો સમાવેશ થાય છે. દેશમાં હાઇકોર્ટોની સરખામણીએ તમામ નીચલી કોર્ટોમાં પડતર કેસોની સંખ્યા બહુ ગંભીર અને ચિંતાજનક છે. 

સમગ્ર દેશમાં તમામ હાઇકોર્ટોમાં મળી કુલ પડતર ૫૯ લાખ, ૫૫ હજાર, ૯૦૭ કેસોમાં ૪૨ લાખ, ૯૯ હજાર, ૯૫૪ સિવિલ કેસો અને ૧૬ લાખ, ૫૫ હજાર, ૯૫૩ ક્રિમીનલ કેસોનો સમાવેશ થાય છે. આ જ પ્રકારે દેશની તમામ નીચલી કોર્ટોમાં પડતર ચાર કરોડ, ૧૩ લાખ, ૫૩ હજાર, ૨૪૨ કેસોમાં સિવિલ પ્રકારના એક કરોડ, ૫૯ લાખ, સાત હજાર, ૫૪૬ અને ફોજદારી પ્રકારના ત્રણ કરોડ, ૭૫ લાખ, પાંચ હજાર, ૬૯૬ કેસોનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, દેશની હાઇકોર્ટોમાં દિવાની કેસો વધુ પ્રમાણમાં પેન્ડીંગ બોલી રહ્યા છે, જયારે દેશની તમામ નીચલી અદાલતોમાં ક્રિમીનલ કેસોમાં બહુ નોંધપાત્ર ભરાવો બોલી રહ્યો છે. જે ત્રણ કરોડથી પણ વધુ ક્રિમીનલ કેસો છે. રાજયસભામાં દેશના ૨૫ રાજયોની હાઇકોર્ટ અને  અને ૩૭ જેટલા રાજયોની નીચલી કોર્ટોની પડતર કેસોની સ્થિતિ અને આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. જો કે, આ માહિતીમાં અરૂણાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત લક્ષદ્વિપ અને આંદામાન-નિકોબાર ટાપુના ડેટા રજૂ કરી શકાયા ન હતા. દેશની તમામ હાઇકોર્ટોમાં સૌથી વધુ પડતર કેસો અલ્હાબાદ હાઇકોર્ટમાં એક કરોડ, બે લાખ, છ હજાર, ૧૫૮ નોંધાયા છે, જયારે તે પછીના ક્રમે રાજસ્થાન હાઇકોર્ટ ૬૦ લાખ,છ હજાર,૨૦૦ પડતર કેસો સાથે બીજા ક્રમે અને ૫૯ લાખ, બે હજાર, ૬૪૮ પડતર કેસો સાથે બોમ્બે હાઇકોર્ટ ત્રીજા ક્રમે ચિંતાજનક સ્થિતિમાં છે. જયારે દેશની તમામ નીચલી અદાલતોમાં પડતર કેસોની સંખ્યામાં  મહારાષ્ટ્ર રાજય ૫૦ લાખ, ૯ હજાર, ૮૨૪ કેસો સાથે પ્રથમ ક્રમે છે તો, આસામ રાજય કુલ ૩૪, ૨૪ હજાર, ૦૯૭ કેસો સાથે બીજા ક્રમે અને ૨૧ લાખ, ત્રણ હજાર, ૩૦૪ કેસો સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે છે. 

Tags :