રેલવે સ્ટેશનોના એન્ટ્રી ગેટ પર હથિયારધારી પોલીસો ગોઠવાઇ
રેલવે સ્ટેશનો પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
વડોદરા, તા.7 કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકેમાં કરેલા એટેકના પગલે ભીડભાડ ધરાવતા રેલવે સ્ટેશન વિસ્તારોમાં સુરક્ષા વધારીને ઠેરઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા રેલવે સ્ટેશન તેમજ અન્ય રેલવે સ્ટેશનો પર રેલવે પોલીસ, આરપીએફ, ડોગ સ્કોડ, બોંબ સ્કોડ અને ક્યૂઆરટી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ચેકિંગથી રેલવે પ્રવાસીઓમાં ઉત્તેજના વ્યાપી હતી. રેલવે પ્રવાસીઓને મોકડ્રિલ અંગે માહિતગાર પણ કરાયા હતાં. વડોદરા, વાપી, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૃચ, ભરૃચ, ડભોઇ, આણંદ, નડિયાદ, ગોધરા અને દાહોદ રેલવે સ્ટેશનોના એન્ટ્રી ગેટ પર મોર્ચા પોઇન્ટ બનાવી હથિયાર સાથે પોલીસ કર્મચારીઓને રાઉન્ડ ધ ક્લોક ફરજ પર મૂકવામાં આવ્યા છે.
રાજ્ય બહારની ટ્રેનોમાં ચડતા તેમજ ઉતરતા પ્રવાસીઓ, ટ્રેનોમાં પ્રવાસ કરતા પેસેન્જરો તેમજ પ્લેટફોર્મ પર અવરજવર કરતા શકમંદ પ્રવાસીઓના માલસામાનની તપાસ બેગેજ સ્કેનર દ્વારા કરવામાં આવી હતી. પ્લેટફોર્મ પરના પાર્સલો, પાર્સલ ઓફિસના પાર્સલો, મુસાફરખાના, વેઇટિંગરૃમ, ક્લોકરૃમના લગેજ, વાહન પાર્કિગ જેવી જગ્યાઓએ ચેકિંગ શરૃ કરી દેવામાં આવ્યું છે.