જામનગરના સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ-બોર્ડ વગેરે દૂર કરાયા
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે સવારે જામનગરના પવનચક્કીથી સાધના કોલોનીના માર્ગ પર મહાનગર પાલિકાના સ્ટ્રીટ લાઈટના પોલ પર ગેરકાયદે રીતે લગાવવામાં આવેલા 200થી વધુ જાહેરાતના હોર્ડિંગ બોર્ડ વગેરે ઉતારી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત જી.જી.હોસ્પિટલથી લાલ બંગલા સુધીના માર્ગ પર રેકડી કેબીન સહિતના અન અધિકૃત દબાણો દૂર કરી લેવામાં આવ્યા છે, અને રેકડી કેબીન કબજે કરી લેવામાં આવી છે. ત્યારબાદ સાંજના સમયે રણમલ તળાવની પાળે પેટ્રોલ પંપથી શ્યામજી કૃષ્ણ વર્મા રોડ પર ઠંડા પીણા, જ્યુસ તથા અન્ય ખાણી પાણીના ધંધાર્થી દ્વારા ઊભા કરાયેલા મંડપની કમાન, ટેબલ, ખુરશી, સ્ટુલ વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે, અને અંદાજે બે ટ્રેક્ટર જેટલો માલ સામાન જપ્ત કરીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે.