અમદાવાદ, સોમવાર,8 ડિસેમ્બર,2025
અમદાવાદના સુભાષબ્રિજને ૪ ડિસેમ્બરથી બ્રિજ નીચેના સ્પાનમાં
તિરાડ પડવા તથા બ્રિજ ઉપરનો કેટલોક ભાગ બેસી જવાના કારણથી પાંચ દિવસ માટે તમામ
વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.કોર્પોરેશનની એમ-પેનલ દ્વારા બ્રિજ બનાવટના મટીરીયલ લેવાથી લઈ અન્ય બાબતની તપાસ
પુરી કરાઈ છે. સુરત સ્થિત એસ.વી.એન.આઈ.ટી ઉપરાંત આઈ.આઈ.ટી,રુરકી, મુંબઈ સહિતની વધુ
કેટલીક એજન્સી હવે તપાસમાં જોડાશે.બ્રિજને ફરી યથાવત કરવાના મુદ્દે બુધવાર સુધીમાં
સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. આમ છતાં ચોકકસ
નિર્ણય લેતા પહેલા રાજય સરકારના આર.એન્ડ બી.વિભાગની મંજુરી મેળવવામા આવશે.
૪ ડિસેમ્બરના રોજ બપોર પછી સુભાષબ્રિજ ઉપર તિરાડ જોવા મળતા
કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસની મદદ લઈ તાત્કાલિક બ્રિજ ઉપરની તમામ અવરજવર બંધ
કરાવી હતી.જે પછી ગત શુક્રવારથી
કોર્પોરેશનની એમ -પેનલમાં સમાવિષ્ટ એજન્સી કસાડ ઉપરાંત મલ્ટી મિડીયા અને પંકજ પટેલ
દ્વારા સાબમતી નદીના નીચેના ભાગ અને બ્રિજ ઉપરની સરફેસ સહિતની સ્થિતિને લઈને
ડીટેઈલ ઈન્સપેકશનની કામગીરી પુરી કરી છે.જેનો રીપોર્ટ બુધવાર સુધીમા સુપરત કરાય
એવી સંભાવના છે.દરમિયાન સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, આઈ.આઈ.ટી.,રુરકી તથા
આઈ.આઈ.ટી.મુંબઈની ટીમને પણ સુભાષબ્રિજના ઈન્સપેકશન માટે બોલાવામા આવી હોવાનુ
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.બ્રિજ ફરી વાહનવ્યવહાર માટે યથાવત કરવો એ અત્યંત
વિચાર માંગી લેવી તેવી બાબત હોવાના કારણે કોર્પોરેશન તરફથી અન્ય એજન્સીઓનો
અભિપ્રાય મેળવવાનો નિર્ણય કરાયો છે. શુક્રવાર સુધીમાં કેટલા સમયમા માટે બંધ રાખવો
તેનો અંતિમ નિર્ણય કરવામાં આવશે.
વાડજ ફલાયઓવર માટે જરુરી ના હોય તેવા બેરીકેડસ હટાવી લેવા
તાકીદ
વાડજ જંકશન ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રચના
કન્સ્ટ્રકશનને ફલાયઓવરબ્રિજ બનાવવાની કામગીરી આપેલી છે.સુભાષબ્રિજ બંધ થવાથી વાડજ
જંકશન ઉપર ટ્રાફિકનુ ભારણ વધી ગયુ છે.આ કારણથી ફલાયઓવર બ્રિજની કામગીરી દરમિયાન જરુરી
ના હોય એવા તમામ બેરીકેડસ ૨૪ કલાકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને પોલીસ કમિશનરે તાકીદ
કરી છે.વાડજ જંકશન ઉપર સર્જાયેલી ટ્રાફિકની સમસ્યા માટે પોલીસ કમિશનરે જાતે વિઝીટ
કરી હતી.


