મોરબીમાં SMCની ટીમે રૂ. 92.69 લાખનો દારૂ જપ્ત કર્યો, બે આરોપીની ધરપકડ
Liquor Seized In Morbi: બૂટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા નુસ્ખા અપનાવવામાં આવે છે અને તેને નાકામ બનાવવા માટે પોલીસ સતત મહેનત કરતી હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે માળિયા-જામનગર હાઇવે પર 92.69 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત પોલીસે ટ્રક-ડ્રાઈવર ભાવેશ મોરી અને ક્લીનર લીલા મોરીની ધરપકડ કરી છે.
1.15 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે રાત્રિ દરમિયાન એક ટ્રકને રોકી તપાસ કરતાં ભૂસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી 92.69 લાખની કિંમતની દારૂની 7,213 બોટલ જપ્ત કરી છે. આ ઉપરાંત 2.91 લાખની કિંમતની 200 ભૂસાની બોરી, 20 લાખની કિંમતનો ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 1.15 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે ટ્રક-ડ્રાઈવર ભાવેશ નાથાભાઈ મોરી અને ક્લીનર લીલા ટપુભાઈ મોરીની ધરપકડ કરી છે. બંને જામનગરના દરેડ ગામના રહેવાસી છે. તેમની પૂછપરછમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણપર ગામના અરજણ આલા કોડિયાતર અને ટીંબડી ગામના ભરત ઉર્ફે જિગો સોમા કોડિયાતરનું નામ સામે આવ્યું છે. માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રકના માલિક, પંજાબથી માલ મોકલાવનારી બે અજાણી વ્યક્તિ અને મુખ્ય સપ્લાયર સહિત કુલ આઠ શખસ સામે ફરિયાદ નોંધી છે. હાલ પોલીસે ગુનો નોંધી અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.