Get The App

ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે 1 - image


અમેરિકા સાથે ટ્રેડ ડીલ સફળ નહીં થાય તો મંદીનો ભય : 25 ટકા ટેરિફ લાગુ થાય તો ટેક્સ 37 ટકાએ પહોંચી જશે : ચીન સામે ટકવું હવે મુશ્કેલ : અમેરિકાના ઈમ્પોર્ટરો ઓર્ડર કેન્સલ કરવા લાગ્યા

મોરબી, : ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઇ નથી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે 1 ઓગસ્ટથી ભારતના ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ ઉપરાંત પેનલ્ટીની જાહેરાત કરવામાં આવી છે, જે આજથી લાગુ કરવાને બદલે સાત દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે, છતાં મોરબી સિરામિક ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે અને ટેરિફનો મુદો જલ્દી નહિ ઉકેલાય તો અમેરિકામાં મોરબીથી થતા 1500 કરોડના એક્સપોર્ટ પર અસર થશે.

મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા અમેરિકામાં દર વર્ષે 1500 કરોડની સિરામિક ટાઈલ્સનું એક્સપોર્ટ કરવામાં આવે છે. સિરામિક ઉદ્યોગ પર અગાઉ જ અમેરિકામાં ૯ ટકા ઈમ્પોર્ટ ડયુટી, 3 ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી લાગુ પડતી હતી અને હવે 25 ટકા ટેરીફ લાગુ પડતા કુલ ટેક્સ 37 ટકા પર પહોંચી ગયો જશે. જેથી મોરબીથી જતી ટાઈલ્સ અમેરિકામાં ખુબ મોંઘી થઇ જશે અને ચીન સામે હરીફાઈમાં કોઈ રીતે ટકી શકે તેમ નથી. ટેરિફને પગલે અમેરિકાના ઈમ્પોર્ટર દ્વારા ઓર્ડર કેન્સલ કરવામાં આવી રહ્યા છે. જેથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ શરૂ થઇ છે. હાલ સાત દિવસ માટે ટેરિફ સ્થગિત કરવામાં આવ્યા છે અને ૭ ઓગસ્ટ સુધી લાગુ નહિ પડે છતાં ત્યારબાદ પણ અમેરિકન સરકાર સાથે ભારત સરકારની ડીલ નહિ થાય તો ટેરીફ લાગુ પડી જશે અને મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડશે.

મોરબી સિરામિક ઉદ્યોગનું કુલ ટર્નઓવર 60,000 કરોડનું છે. જેમાંથી 20,000 કરોડ એક્સપોર્ટ થાય છે અને માત્ર અમેરિકામાં દર વર્ષે 1500 કરોડની ટાઈલ્સ એક્સપોર્ટ કરવામાં આવે છે. એક વર્ષ પહેલા સુધી મોરબી સિરામિક ઉદ્યોગ જેને સૌથી વધુ એક્સપોર્ટ કરે છે, તે લીસ્ટમાં અમેરિકા પહેલા નંબરે આવતું હતું. જો કે, હવે ટેરિફ યુદ્ધ બાદ સ્થિતિ કેટલી બદલાશે તેનું હાલ અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ અમેરિકા સાથેનો વેપાર ઘટી જશે તો મોરબી સિરામિક ઉદ્યોગના 1500 કરોડના એક્સપોર્ટને સીધી અસર થશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હાલ સિરામિક ઉદ્યોગકારો પણ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ લાંબા ગાળે ઉદ્યોગને નુકસાન થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી અને ભવિષ્યને લઈને ચિંતિત નજરે પડી રહ્યા છે.

Tags :