Get The App

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ : ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેના જામીન કર્યા મંજૂર

ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા

રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર

Updated: Nov 3rd, 2023

GS TEAM


Google News
Google News
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ : ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેના જામીન કર્યા મંજૂર 1 - image

Morbi bridge case : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. મહત્વનું છે કે, ઝૂલતો બ્રિજ તૂટવાના કારણે 135 લોકોના મોત થયા હતા.

રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર

મોરબીમાં ગત વર્ષ 30 ઓકટોબર 2022ના રોજ મચ્છુ નદી પર આવેલા પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનાને થોડા દિવસ પહેલા જ એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયંકર દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પાછળ ઓરેવા કંપનીને જવાબદાર ગણાવવામાં આવી છે. ત્યારે હવે આ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે. કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. 

રાજ્યમાં અન્ય બ્રિજોના સમારકામ અંગે હાઈકોર્ટ લાલઘૂમ

ગુજરાત હાઈકોર્ટે આજ રોજ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના અન્ય બ્રિજોના સમારકામને લઈને રાજ્ય સરકાર અને અધિકારીઓને ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે લાલઆંખ કરતા કહ્યું હતું કે, ગોંડલના 2 સદીઓ જૂના બ્રિજોની મરામતમાં અધિકારીઓની ગંભીર બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. માનવ જીવનને હાની થાય તે પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. બ્રિજ બંધ કરી શકાય તેવી સ્થિતિ ન હોવાની રજૂઆત નગરપાલિકાએ કરી તેની કોર્ટે નોંધ લીધી હતી. નગરપાલિકાએ એક વર્ષ પહેલા જાણ કરવા છતા રાજ્ય સરકારે કોઈ ઠોસ પગલાં લીધા નથી.

અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને મળ્યા જામીન

આ કેસમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને કોર્ટે શરતી જામીન આપ્યા છે. જોકે આ અગાઉ 5 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. જેમાં 3 સુરક્ષાકર્મી, 2 ક્લાર્ક અને 1 મેનેજરનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે બે ક્લાર્કને જામીન આપ્યા હતા. જોકે, ક્લાર્કને જામીન આપવાના નિર્ણય વિરૂદ્ધ પીડિત પરિવારોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ : ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેના જામીન કર્યા મંજૂર 2 - image

Tags :