Gujarat

શહેરમાં 17,843 ગંગા સ્વરૂપ બહેનોને માસિક 22.30 કરોડની ચૂકવાતી સહાય

By GS TEAM
23 Jul 20252 mins read
શહેરમાં 17,843 ગંગા સ્વરૂપ બહેનોને માસિક 22.30 કરોડની ચૂકવાતી સહાય

- વિધવા બહેનો સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે તે ઉદ્દેશ્ય સાથે યોજના અમલી

- લાભાર્થી બહેનનું અકસ્માતમાં મૃત્યુ થાય તો વારસદારને બે લાખની વીમા રકમ પણ મળવાપાત્ર

ભાવનગર : પરિણીત સ્ત્રીઓને પતિના મૃત્યુ બાદ જીવન જીવવામાં આર્થિક અને સામાજિક રીતે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં ગંગા સ્વરૂપ બહેનો સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવે અને આર્થિક ટેકો મળી શકે તે ઉદ્દેશ્ય સાથે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપ યોજના અમલી કરી વિધવા લાભાર્થી બહેનોને દર મહિને  ડીબીટી (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર)થી રૂા.૧૨૫૦ની સહાય ચૂકવવામાં આવી રહી છે.

ભાવનગર શહેરમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો હાલ ૧૭,૮૪૩ લાભાર્થી બહેનો લાભ લઈ રહ્યા છે. જેમને દર માસે ૧૨૫૦ લેખે કુલ રૂા.૨૨,૩૦૩,૭૫૦ની સહાય સરકાર ચૂકવી રહી છે. આ યોજનાનો લાભ ૧૮ વર્ષથી ઉપરના ગંગા સ્વરૂપ બહેનો લઈ શકે છે. જેના માટે નિયત ફોર્મ, જરૂરી દસ્તાવેજી પુરાવા, આવક મર્યાદાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. ત્યારબાદ સિટી મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સ્થળ તપાસણી કરી લાભાર્થીઓની અરજી મંજૂર-નામંજૂર કરવામાં આવે છે.

આ યોજનાનો લાભ ગંગા સ્વરૂપ બહેનો પુનઃ લગ્ન કરે ત્યાં સુધી અથવા મૃત્યુ સુધી મળે છે. લાભાર્થી બહેનનું અકસ્માતમાં મૃત્યુ થાય તો વારસદારને બે લાખની વીમા રકમ પણ મળવાપાત્ર છે તેમ સિટી મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યું છે. વધુમાં સુખી સંપન્ન લોકો, સારી નોકરી-આવક તેમજ એકથી વધુ દિકરા હોય તેવા લોકોએ સ્વૈચ્છાએ અરજી ન કરવા તાકીદ કરાઈ છે.

દોઢ વર્ષમાં 1762 અરજી મંજૂર, 632 નામંજૂર

ભાવનગર સિટી મામલતદાર કચેરી દ્વારા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મહત્તમ બહેનોને મળે તે માટે તલાટી-કમ-મંત્રીઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ છેલ્લા દોઢ વર્ષમાં (જાન્યુઆરી-૨૦૨૪થી જૂન-૨૦૨૫) સુધીના સમયગાળામાં કુલ ૨૩૯૪ અરજી આવી હતી. જે પૈકીની ૧૭૬૨ અરજી મંજૂર થઈ છે અને ૬૩૨ અરજીને નામંજૂર કરવામાં આવી હતી. અગાઉ ૨૧ વર્ષની ઉંમરનો પુત્ર હોય તો સહાય મળવાપાત્ર ન હતી. તેમજ પતિના મૃત્યુના એક વર્ષના સમયમાં જ અરજી કરી થઈ શકતી હતી. તે બન્ને નિયમને હટાવી દેવામાં આવ્યા છે.

અરજી ફોર્મની સાથે રજૂ કરવા પડતા આધાર-પુરાવા

- શહેર કક્ષાએ કુટુંબીની વાર્ષિક આવક ૧.૫૦ લાખ અને ગ્રામ્ય કક્ષાએ ૧.૨૦ લાખ

- પતિના અવસાનનો દાખલો

- રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ

- પુનઃલગ્ન નથી થયાનું સોગંદનામું

- ઉંમરનો પુરાવો

- પાસપોર્ટ સાઈઝનો ફોટો

- બેન્ક ખાતાની પાસબુક

- બીપીએલ સ્કોરનો દાખલ (જો હોય તો)

- સ્વ.ઘોષણાપત્ર

- ઉંમરનો પુરાવો