Get The App

સૌરાષ્ટ્રમાં 20 જૂન આસપાસ ચોમાસાની પધરામણી : ત્યાં સુધી છૂટો-છવાયો વરસાદ

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
સૌરાષ્ટ્રમાં 20 જૂન આસપાસ ચોમાસાની પધરામણી : ત્યાં સુધી છૂટો-છવાયો વરસાદ 1 - image


રાજકોટમાં ધૂપ-છાંવ વચ્ચે તેજ પવન-વંટોળ ફૂંકાયા

મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નીચે પહોંચી જતાં કાળઝાળ ગરમીમાં રાહત, તા.7મી સુધી અમરેલી સહિતના 4-6 જિલ્લામાં હળવા-મધ્યમ વરસાદની આગાહી

રાજકોટ: દેશમાં ચોમાસાનું પાંચ દિવસ પહેલું આગમન થઈ ગયા બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ આગામી તા.૨૦ જૂન આસપાસ ચોમાસાની વિધિવત પધરામણી થઈ જવાનાં સંકેત મળ્યા છે. જો કે, ચોમાસું આવે સુધી ત્યાં સુધી છૂટો-છવાયો વરસાદ તો વરસતો જ રહેશે. વળી, થોડા દિવસોથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની નીચે પહોંચી જતાં કાળઝાળ ગરમીમાં રાહત મળી છે. આ સાથે તા.૭મી સુધી અમરેલી સહિતના ૪-૬ જિલ્લામાં હળવા-મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આવા માહોલમાં આજે રાજકોટમાં ધૂપ-છાંવ વચ્ચે તેજ પવન-વંટોળ ફૂંકાયો હતો.

રાજકોટમાં આજે સવારે આકાશમાં વાદળોની જમાવટ જોવા મળી હતી. બાદમાં આકરો તાપ પણ પડયો હતો, પણ પવનની ગતિ વધુ હોવાથી ગરમીમાં રાહત અનુભવાઈ હતી. આજે શહેરમાં મહત્તમ તાપમાન ૩૮.૩૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે આજે પવનની ગતિ પણ ૪૦ કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી હતી. આ દરમિયાન રેસકોર્સ રીંગ રોડ અને ત્યાંના ગ્રાઉન્ડ સહિતના અનેક વિસ્તારોમાં બપોરે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોએ હેરાનગતિ ભોગવી હતી. હવે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં આગામી તા.પમી અને તા.૬ઠ્ઠીએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

સૌરાષ્ટ્રમાં દર વર્ષે ૧૫ થી ૨૫ જૂન વચ્ચે ચોમાસાનું વિધિવત આગમન થતું હોય છે, એ જ સિલસિલા સાથે ચાલુ ચોમાસાની પણ ૨૦ જૂન આસપાસ પધરામણી થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. જો કે, ચોમાસા પહેલા પણ હાલ દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રમાં આગામી ૧૫ જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.

ક્યાં-ક્યારે વરસાદ ?

* તા.૨ : અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ.

* તા.૩ : પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ.

* તા.૪ : અમેરલી, ભાવનગર, સોમનાથ, બોટાદ, દીવ.

* તા.૫ : રાજકોટ, અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ.

* તા.૬ : રાજકોટ, અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ.

* તા.૭ : અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ.

Tags :