ગુજરાતમાં ચોમાસું: 10 ઇંચ સુધી મૂશળધાર વરસાદ
- મેમાં કમોસમી વરસાદ બાદ અસહ્ય ગરમીથી રાહત આપતી મેઘમહેર
- ભાવનગરના પાલિતાણા-જેસર-સિહોરમાં 10 ઈંચથી વધુ વરસાદ: 60 તાલુકામાં 1 ઈંચથી વધુ: મંગળવારે સુરત, વલસાડ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ
અમદાવાદ : આગ વરસાવતી ગરમી, અસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ચોમાસાની ઋતુનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. ગુજરાતના ૨૦૦ તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં ભાવનગરના પાલિતાણામાં સૌથી વધુ ૧૧.૫૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ૭૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા મંગળવારે સુરત-નવસારી-વલસાડ-અમરેલી-ભાવનગરમાં ભારે થી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ભાવનગર જિલ્લાને આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ઘમરોળ્યા હતા. ખાસ કરીને જેસરમાં તો જાણે આભ ફાટયું હોય તેમ સવારે ૬થી સાંજના ૬ કલાક સુધીમાં ધોધમાર સાડા દસ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.ં ભારે વરસાદના પગલે તળાજાના વાલર ગામની બગડ નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિ તેમજ મહુવાના તલગાજરડામાં કોઝવે પાસે સ્કૂલ બસ ફસાતા વહીવટી તંત્ર અને ગ્રામ્ય જનતાએ જીવના જોખમે ૩૬ વિદ્યાર્થીઓને બચાવી બહાર કાઢી લીધા હતા. તળાજી નદી, બગડ નદી, ગૌતમેશ્વર તળાવ, માલણ ડેમ વગેરે બે કાંઠે-ઓવરફ્લો થતાં આસપાસના ગામો-વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં અન્યત્ર જ્યાં ભારે વરસાદ પડયો તેમાં અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટનો સમાવેશ થાય છે. સાવરકુંડલા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિથી મેઘમહેર શરૂ થતાં તેના પગલે નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક ચેકડેમો છલકાઈ ગયા છે. જયારે ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
બીજી તરફ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેર જોવા મળતા અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો થોડી રાહત મળી છે. અને ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. પડોશી સંઘપ્રદેશમાં પણ ૩ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઇ નદી, નાળા, કોતરડા અને ઝરણાઓ વહેતા થયા છે. વલસાડ જીલ્લામાં ધીરે ધીરે ચોમાસાની મોસમ જોર પકડી રહી છે. વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૧ ઈંચ વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ ઉમરગામમાં ૩ ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત કપરાડામાં ૨.૫ ઈંચ, વાપીમાં ૧ ઈંચ, વલસાડ અને પારડીમાં ૦.૫ ઈંચ વરસાદ ઝીકાયો હતો. પડોશી સંઘપ્રદેશ દા.ન.હવેલીમાં પણ ૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે દમણમાં ર ઈંચ વરસાદ પડયો હતો.વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં ગઇકાલથી આવેલા બદલાવ સાથે વર્ષાઋતુનું સત્તાવાર આગમન થઇ ગયું છે. જિલ્લાના ડભોઇમાં ગઇરાત્રે છ ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં.એકસાથે છ ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. અચાનક પડેલા ભારે વરસાદના કારણે અંતરિયાળ ગામોના કેટલાંક રોડ પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી.
તાલુકા પ્રમાણે પડેલા વરસાદનું પ્રમાણ
વરસાદ |
તાલુકા |
૮થી ૧૨ ઈંચ |
૦૫ |
૫થી ૮ ઈંચ |
૦૬ |
૩થી ૫ ઈંચ |
૦૮ |
૧થી ૩ ઈંચ |
૫૦ |
સોમવારે કયા તાલુકામાં વધારે વરસાદ ?
તાલુકો |
જિલ્લો |
ઈંચમાં |
પાલિતાણા |
ભાવનગર |
૧૨.૦૦ |
જેસર |
ભાવનગર |
૧૦.૫૦ |
સિહોર |
ભાવનગર |
૧૦.૦૦ |
સાવરકુંડલા |
અમરેલી |
૯.૦૦ |
મહુવા |
ભાવનગર |
૯.૦૦ |
રાજુલા |
અમરેલી |
૭.૫૦ |
ઉમરાળા |
ભાવનગર |
૬.૫૦ |
અમરેલી |
અમરેલી |
૬.૦૦ |
તળાજા |
ભાવનગર |
૬.૦૦ |
લિલિયા |
અમરેલી |
૫.૫૦ |
ગારિયાધર |
ભાવનગર |
૫.૨૫ |
ગઢડા |
બોટાદ |
૪.૧૫ |
ખાંભા |
અમરેલી |
૪.૦૦ |
વલ્લભીપુર |
ભાવનગર |
૩.૫૦ |
જુનાગઢ |
જુનાગઢ |
૩.૫૦ |