શહેર-જિલ્લામાં ચોમાસાનું આગમન ડભોઇ તાલુકામાં ચાર કલાકમાં જ છ ઇંચ વરસાદથી જળબંબાકાર
વડોદરા શહેરમાં રાત્રે અને બપોરે એક ઇંચ વરસાદ ઃ ડેસર અને પાદરા સિવાય સર્વત્ર વરસાદ
વડોદરા, તા.16 વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં ગઇકાલથી આવેલા બદલાવ સાથે વર્ષાઋતુનું સત્તાવાર આગમન થઇ ગયું છે. જિલ્લાના ડભોઇમાં ગઇરાત્રે છ ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં.
વડોદરા શહેરમાં ગઇ મોડીરાત્રે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજે આખો દિવસ ઉકળાટનું વાતાવરણ રહ્યું હતું પરંતુ બપોરે બે વાગે ફરી સખત ગરમી વચ્ચે વરસાદ વરસવાનું શરૃ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગઇરાત્રે ૧૨ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધી વડોદરા શહેરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ડભોઇમાં ગઇરાત્રે માત્ર ચાર કલાકમાં એકસાથે છ ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતાં. અચાનક પડેલા ભારે વરસાદના કારણે અંતરિયાળ ગામોના કેટલાંક રોડ પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર બંધ થઇ ગઇ હતી. ડભોઇ ઉપરાંત સાવલી, વાઘોડિયા, કરજણ, શિનોરમાં પણ વરસાદ નોંધાયો હતો જ્યારે ડેસર અને પાદરા તાલુકો કોરો રહ્યો હતો.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરા શહેરના તાપમાનમાં ફરી ઘટાડો નોંધાયો હતો. શહેરમાં મહત્તમ તાપમાન ૨.૬ ડિગ્રી ઘટીને ૩૭.૨ ડિગ્રી તેમજ ન્યૂનત્તમ તાપમાન ૩.૮ ડિગ્રી ઘટીને ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પશ્ચિમ અને ઉત્તરના ૫ કિ.મી. ગતિના પવનો નોંધાયા હતાં તેમજ હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૯ અને સાંજે ૫૨ ટકા હતું.