Monkey Attack, Ahmedabad News : અમદાવાદ શહેરમાં કપિરાજના આતંકની ઘટના સામે આવી છે. શહેરના લાંભા વોર્ડના શાહવાડી વિસ્તારમાં ધાબા પર પતંગ ચગાવવી રહેલી દીકરીને બચકું ભરીને વાનર ભાગી ગયો હતો. જ્યારે અન્ય એક જગ્યાએ ઘરની બહાર બેઠેલા આધેડને પણ વાનરે બચકું ભર્યું હતું. વાનરના હુમલાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય સાથે વહીવટીતંત્ર પર રોષ જોવા મળ્યો હતો. વાનરના હુમલા અંગે સ્થાનિકોએ વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના શાહવાડી વિસ્તારમાં વાનરનો આતંક
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના લાંભા વોર્ડના શાહવાડીમાં વાનરના આતંકથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે(12 જાન્યુઆરી, 2026) ધાબા પર પતંગ ઉડાવી રહેલી બાળકીના ખભાના પાછળના ભાગે વાનરે બચકું ભર્યું હતું. વાનરના હુમલાને પગલે સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગબાજો માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ, જાણો હવામાન વિભાગની આગાહી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે અઠવાડિયામાં પાંચથી વધુ લોકોને વાનરે બચકાં ભર્યા છે. અગાઉ 15 દિવસ પહેલા એક મહિલાને વાનરે બચકું ભરતાં તેમને 59 જેટલાં ટાકા આવ્યા હતા. વાનરો આતંક મામલે અનેક વખત વહીવટીતંત્રમાં ફરિયાદ કરીને યોગ્ય પગલા લેવાની માગ કરી છે, પરંતુ આતંકી વાનરને પાંજરે પૂરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી.


