રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી, મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો
3 IAS Transfers : રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના કે. ખંધાર, આઈએએસની બદલી કરીને તેમની નિમણૂક અગ્ર સચિવ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તરીકે કરવામાં આવી છે. આ જગ્યાએ અગાઉ રમેશચંદ મીણા, આઈએએસ ફરજ બજાવતા હતા, જેમની બદલી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીની દિલ્હીની મુલાકાત બાદ બદલીનો દોર શરૂ થઇ ગયો છે. મોડીરાત્રે ત્રણ સચિવોની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરતા ત્રણ IAS અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓમાં મોના ખંધાર, પી. ભારતી અને રમેશ મીણાનો સમાવેશ થાય છે.
મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે પી. ભારતી હવે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. તો બીજી તરફ રમેશ મીણાની પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
આ બદલીઓને વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને વિવિધ વિભાગોમાં નવા નેતૃત્વ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતપોતાના નવા પદનો કાર્યભાર સંભાળશે.
રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી
ઉલ્લેખનીય છે કે 17 જૂન, 2025ના રોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ બદલીઓમાં અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ સાથે એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ શિવરામ તોરવાણે, IAS (RR:GJ:2000) ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અન્ય મહત્ત્વપૂર્ણ ફેરફારોમાં રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશી, IAS (RR:GJ:2014)ને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર, IAS (RR:GJ:2016) મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા.