Get The App

VIDEO: 'હું તારી પત્નીને પ્રેમ કરું છું...', અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: 'હું તારી પત્નીને પ્રેમ કરું છું...', અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ 1 - image


Ahmedabad News : અમદાવાદમાં એકતરફી પ્રેમના મામલે ફરી એક ગંભીર ઘટના સામે આવી છે. એક વર્ષથી હેરાન કરતો દિયર ફરીથી ભાભીની છેડતી કરતો ઝડપાયો છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ સ્વબચાવમાં દાવો કર્યો હતો કે, 'અલ્લાહે કહ્યું એટલે મે તેનો હાથ ખેંચ્યો હતો.'


અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી 46 વર્ષીય મહિલા ઘરકામ કરીને જીવન નિર્વાહ કરે છે. મહિલાના સાસુના ભાઈનો દીકરો અહેરાજ હુસેન ઉત્તરપ્રદેશથી ત્રણ વર્ષ પહેલા અમદાવાદ આવ્યો હતો. સગાસંબંધનો લાભ લઈ અહેરાજ વારંવાર મહિલાના ઘરે આવતો હતો. ધીમે-ધીમે આરોપી મહિલાનો પીછો કરવાનું શરૂ કર્યું અને એકતરફી પ્રેમનો દાવો કરીને હેરાન કરવા લાગ્યો હતો.

અગાઉ પણ છેડતીની ફરિયાદ નોંધાયેલી

વર્ષ 2024માં આરોપીએ મહિલાનો પીછો કરતાં પતિએ વિરોધ કર્યો ત્યારે તેણે ખુલ્લેઆમ કહ્યું હતું કે, 'હું તારી પત્નીને પ્રેમ કરું છું, તેનો પીછો કરતો રહીશ અને વચ્ચે આવ્યો તો તને પતાવી દઈશ.' આ ધમકી બાદ મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપી જામીન પર બહાર આવ્યો હોવા છતાં તેણે મહિલાનો પીછો ચાલુ રાખ્યો હતો.

23 ડિસેમ્બરના રોજ મહિલા અને તેના સાસુ ઘરે હતા, ત્યારે આરોપી અહેરાજ ત્યાં પહોંચ્યો હતો. સાસુએ તેને જતા રહેવાનું કહેતા, આરોપીએ બુમાબુમ કરીને મહિલાનો હાથ પકડીને 'તું મારી સાથે ચાલ, તું મારી સામે ખોટી ફરિયાદ કરી છે, હું તને પ્રેમ કરું છું અને તને રાખીશ' તેમ કહીને જબરદસ્તી હાથ ખેંચવા લાગ્યો હતો. આ દરમિયાન સાસુ-સસરાએ વચ્ચે પડીને મહિલાનો હાથ છોડાવ્યો હતો. જતાં-જતાં આરોપીએ મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાને લઈને મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી અહેરાજ હુસેનની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, તેને અલ્લાહનો અવાજ સંભળાય છે અને અલ્લાહે જ તેને મહિલાનો હાથ ખેંચવાનું કહ્યું હતું. અગાઉ પણ આવો જ દાવો કરીને તેણે પોતાની હરકતને ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: બગોદરા-તારાપુર હાઇવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો, 2 લૂંટારૂની ધરપકડ, કાર સહિતનો મુદ્દામાલ રિકવર

આ મામલે ACPએ જણાવ્યું હતું કે, આરોપી સામે અગાઉ પણ છેડતીનો કેસ ચાલી રહ્યો છે અને હાલ તે કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે. આરોપી મહિલાને પોતાની તરફેણમાં નિવેદન આપવા દબાણ કરી રહ્યો હતો, જેથી કેસનો નિકાલ થઈ જાય. આ દબાણ માટે જ તેણે ફરીથી મહિલાનો હાથ ખેંચીને છેડતી કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.