ડભોઇની લૂંટમાં મધ્યપ્રદેશની ખૂંખાર મોહનીયા ગેંગની સંડોવણી

વડોદરા, તા.17 વડોદરા જિલ્લાના ડભોઇમાં વેગા ચોકડી પાસે એક ટીમ્બર્સ અને સેન્ટરિંગની દુકાનના માલિકને મરણતોલ માર મારી રૃમમાં પૂરી દઇ લૂંટ કરી ફરાર થઇ ગયેલી એમપીની મોહનીયા ગેંગના એક નામચીન સાગરીતને જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વેગા ચોકડી પાસે શ્રી રામ ટિમ્બર્સ એન્ડ સેન્ટરિંગની દુકાનમાં અગાઉ મજૂરી કામ કરતો તેમજ પરિવાર સાથે નજીકની ઓરડીમાં રહેતો દયારામ ભૂરા મોહનીયા (રહે.તડવી ફળિયું, હત્યાદેલી તા.રામા, જિલ્લો જામ્બુઆ, મધ્યપ્રદેશ) અચાનક નોકરી છોડી પોતાના પરિવાર સાથે વતનમાં જતો રહ્યો હતો. બાદમાં ૧૫ દિવસ પછી તે અન્ય સાગરીતો સાથે શ્રી રામ ટીમ્બર્સ એન્ડ સેન્ટરિંગની દુકાનમાં જઇ માલિકને કોદાળી, લાકડાના ડંડા માથામાં મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. માલિક મૃત્યુ પામ્યો હોવાનું જાણી તેને એક ઓરડીમાં પૂરી દઇ રૃા.૪૭ હજાર રોકડ તેમજ મોબાઇલની લૂંટ કરી ટોળકી ફરાર થઇ ગઇ હતી.
આ ગુનો ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાતા જિલ્લા એલસીબીએ લૂંટારૃ ગેંગને ઝડપી પાડવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતાં. દરમિયાન લૂંટમાં સંડોવાયેલ દયારામ મોહનીયા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મહુડા ગામની સીમમાં હોવાની માહિતીના આધારે એલસીબીએ ત્યાં પહોંચી તેને ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ કરતા અન્ય ત્રણ લૂંટારૃઓના નામો પણ ખૂલ્યા હતાં. રોકડ લૂંટયા બાદ તેને ભાગમાં રૃા.૧૦ હજાર મળ્યા હતા જે પોલીસે કબજે કર્યા હતાં.









