Get The App

બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા 1 - image

- કમળાનો રોગચાળો બેકાબૂ બન્યા બાદ તંત્રની દોડધામ

- ક્લોરિનની 1.94 લાખ ટેબલેટનું વિતરણ : પાણીના લેવાયેલા 5486 નમૂનામાંથી 848 માં હજુ પ્રદૂષણ

બાલાસિનોર : બાલાસિનોર શહેરમાં કમળાનો રોગચાળો બેકાબૂ બન્યા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સહિતના તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવાનું શરૂ કરાયું છે. એક તરફ ઘરે ઘરે ફરીને ૨૬,૭૮૩ મકાનોનો સર્વે કરવામાં આવ્યો છે, તો બીજી તરફ વોર્ડ દીઠ એક મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા છે. બીજી તરફ ખુદ આરોગ્ય વિભાગે જ જાહેર કરેલા આંકડા અનુસાર પાણીના ૫૪૮૬ નમૂના ક્લોરીન ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જે પૈકી હજી પણ ૮૪૮ નામૂનામાં પ્રદૂષણ જોવા મળ્યું છે.

બાલાસિનોરમાં કલેક્ટરની મુલાકાત બાદ જુદા જુદા વિભાગો એક્શન મોડમાં આવી ગયા છે. આરોગ્ય વિભાગની બાવન ટીમો દ્વારા કમળા સહિતના પાણીજન્ય રોગચાળાના સર્વે માટે ૨૬,૭૮૩ ઘરમાં વસવાટ કરતા ૧,૧૯,૪૯૭ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનની કુલ ૧,૯૪,૯૭૪ ટેબલેટનું વિતરણ કરાયું છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે સ્વચ્છ પાણીના વિતરણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ૨૮,૫૭૪ પત્રિકાનું વિતરણ કરીને તેમજ માઇક દ્વારા લોકોને સાવચેત રહેવાના સતત પ્રયાસો થઇ રહ્યાં છે. બીજી તરફ પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે અત્યાર સુધીમાં ૫,૪૮૬ નમૂના લેવાયા હતા. જે પૈકી ૪,૬૩૮ નમૂના પોઝિટિવ આવ્યા છે. એટલે કે આ નમૂનાનું પાણી ક્લોરીન થયેલું હતું.

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાણી-પીણીના એકમોમાંથી ૭ નમૂના લેવાયા

બાલાસિનોરમાં વકરેલા રોગચાળાની સ્થિતિને ધ્યાને લેતા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નગરમાં સઘન તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ સમયે ખાણી-પીણીની મોટાભાગની લારી, દુકાનો અને હોટલો બંધ હતી. સર્વોદય હોસ્પિટલ સામે આવેલા ભોજનાલયો તથા કોલેજ નજીક આવેલી હોટલમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે કુલ ૭ નમૂના લેવાયા હતા.

લુણાવાડામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

બાલાસિનોરમાં વકરેલી રોગચાળાની સ્થિતિની સમીક્ષા માટે લુણાવાડા ખાતે કલેક્ટર કચેરીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે હાલની સ્થિતિની સમીક્ષા કરીને પાલિકા વિસ્તારમાં પાણી વિતરણની વર્ષો જૂની જર્જરિત લાઇનો બદલવા માટે તાકિદ કરી હતી. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવાની સૂચના આપી હતી.