Get The App

ગુજરાતને અપમાનિત કરી ભાંડનારા સામે લાલ આંખ કરવાની જરૂર-મોદી

Updated: Oct 20th, 2022

GS TEAM


Google News
Google News
ગુજરાતને અપમાનિત કરી ભાંડનારા સામે લાલ આંખ કરવાની જરૂર-મોદી 1 - image


રાજકોટ અને જુનાગઢમાં 10,700 કરોડના કામોના શિલાન્યાસ : પોતાની નિરાશા ગુજરાત પર થોપતા પક્ષોથી ચેતજો, આપણે દેશના કોઈ પણ નાગરિકની સિધ્ધિ વખાણીએ,એ લોકોને ગુજરાતની પ્રગતિ ખુંચે છે -વડાપ્રધાન : રાજકોટને ગાંધીજીએ શિક્ષણ આપ્યું, મને પણ આ શહેરે જ રાજનીતિનું શિક્ષણ આપ્યું-મોદી

રાજકોટ,: સૌરાષ્ટ્રના રાજકોટ,જુનાગઢ,મોરબી,ગીર સોમનાથ જિલ્લામાં 10,700 કરોડના ખાતમુહુર્ત પ્રસંગે રાજકોટ અને જુનાગઢમાં યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતને અપમાનિત કરનારા, ગુજરાતને ગાળો ભાંડયા વગર જેની રાજનીતિ નથી ચાલતી તેવા કેટલાક પક્ષો સામે ગુજરાતે લાલ આંખ કરવાની જરૂર છે. 

તેમણે ગીરના સાવજની ગર્જના સાંભળીને મોટા થયેલા વીરોને મનની વાત કહેવી છે તેમ કહીને કહ્યું, દેશમાં કોઈ પણ રાજ્યના લોકો સાઉથના વૈજ્ઞાાનિકો મંગલયાન મોકલે, હરિયાણાના કોઈ ઓલમ્પિકમાં મેડલ લાવે તો આપણને ગુજરાતીઓને ગૌરવ થાય છે, આનંદ થાય છે પરંતુ, કેટલાક વિકૃત માનસિકતાવાળા લોકોને ગુજરાત નામ કમાય, પ્રગતિ કરે તો તેમના પેટમાં ઉંદરડા દોડવા લાગે છે. તપ કરતા,મહેનત કરતા ગુજરાતને બદનામ કરાય તે સહન કરવું છે? એવા સવાલ કરીને કહ્યું નિરાશા ફેલાવનારા આ લોકો પોતાની નિરાશા ગુજરાત પર થોપી રહ્યા છે તેનાથી ગુજરાતે ચેતવાની જરૂર છે. દેશમાં ગમે તે જાતિ,ભાષા,પ્રદેશના લોકો પ્રતિ ભેદભાવ ન હોવો જોઈએ તેમ કહી એક ભારત,શ્રેષ્ઠ ભારતનું સૂત્ર આપ્યું હતું. 

આજે રાજકોટમાં રૂ।. 458 કરોડના ખર્ચે ત્રણ ઓવરબ્રિજ, સાયન્સ સેન્ટર અને દેશમાં પ્રથમવાર અદ્યતન પધ્ધતિથી બનેલા આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને અને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રૂ।. 4155.17 કરોડના અને રાજકોટ અને મોરબી જિલ્લામાં રૂ।. 6688 કરોડના ખાતમુહુર્ત  કરીને તેમણે કહ્યું કે જે લોકાર્પણો કર્યા છે તે લોકોને દિવાળીની ભેટ છે અને ખાતમુહુર્ત,શિલાન્યાસ એ નૂતન વર્ષમાં સાકાર કરવાના અમારા સંકલ્પો છે. 

રાજકોટમાં 2- વર્ષ પહેલા તેમણે જિંદગીની સૌ પ્રથમ ચૂંટણી લડી તેનું સ્મરણ કરીને વડાપ્રધાને કહ્યું આ ધરતી પર ગાંધીજીએ પાઠશાળામાં શિક્ષણ લીધું અને મેં રાજનીતિના પાઠ શિખ્યા જે મને આજે પણ કામ આવ્યા છે, રાજકોટનું ઋણ કદિ ચૂકવી શકીશ નહીં. જનસંઘના સ્વ.ચીમનભાઈ શુક્લને યાદ કરીને કહ્યું એ સમયે ગુંડાવિરોધી અભિયાન ચલાવવું પડતું, આજે ગુજરાતને માથાભારે શખ્સોના ત્રાસથી મુક્ત કર્યું છે.રાજકોટ મીની જાપાન બનશે તેમ વર્ષો પહેલા કહ્યું ત્યારે મારી મજાક ઉડાડાતી, આજે તે સાચુ પડી રહ્યું છે કહીને રાજકોટ,મોરબીના ઔદ્યોગિક વિકાસની સરાહના કરી હતી. તો જુનાગઢની કેસર કેરીએ દુનિયાભરમાં પહોંચી છે, જુનાગડ-સોમનાથ જિલ્લાની ખેતી, મત્સ્યોદ્યોગ વિકસ્યો છે ,મુસીબત લાગતો દરિયો આજે મહેનતનું ફળ આપી રહ્યો છે, અમે સિંહની વસ્તી વીસ વર્ષમાં બમણી કરી અને અહીં રોપ-વે લાવ્યા છીએ તેમ જણાવ્યું હતું. 

વડાપ્રધાનનો રાજકોટમાં પાંચ વર્ષ પછી આજે એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજાયો તેમાં તેમને લોકોએ ફૂલડે વધાવ્યા તે અંગે કહ્યું દિવાળીના સમયે બધા કામમાં વ્યસ્ત હોવા છતાં આ ભવ્ય સ્વાગત માટે આભારી છું.

Tags :