વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી
ટીટીઈ હવે ડિજિટલ હાજરી નોંધાવશે
વહીવટી કાર્યપ્રણાલીમાં સુધારો થવા સાથે ફરજના રેકોર્ડમાં ગેરરીતિ થઈ શકશે નહીં
વડોદરા રેલવે ડિવિઝનમાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ટીટીઈ હવે ડિજિટલ હાજરી નોંધાવશે. આ સિસ્ટમથી વહીવટી કાર્ય પ્રણાલીમાં સુધારો થવા સાથે ફરજ પરના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે ગેરરીતિ થતી હશે તો તે અટકાવી શકાશે.
હવે ટીટીઈ (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર ) તેમની ફરજની શરૂઆતમાં બાયોમેટ્રિક સાઇન-ઇન કરશે અને અંતમાં સાઇન-આઉટ કરશે. આ વ્યવસ્થાથી કર્મચારીઓની વાસ્તવિક સમયની હાજરી રેકોર્ડ કરશે. અને ડ્યૂટી રેકોર્ડમાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત થશે. તેમજ સાઇન-ઇન અને સાઇન-આઉટની પ્રક્રિયા ઝડપી, સરળ અને સુરક્ષિત બનશે. ટીટીઈ લોબી એપ્લિકેશનને સી-ડેક (કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની વૈજ્ઞાનિક સંસ્થા) ના પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે. આ સિસ્ટમ હાલમાં વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, આણંદ, છાયાપુરી, ગોધરા, નડિયાદ અને એકતાનગરમાં આધાર-આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ કાર્યરત કરાઇ છે. આ સિસ્ટમના અમલીકરણથી કર્મચારીઓની હાજરીનું અસરકારક રીતે નિરીક્ષણ કરવું શક્ય બનશે અને ફરજના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે વિસંગતતા અટકાવવામાં આવશે. આ પહેલ રેલવેના ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ રેલ્વે મિશનને પ્રોત્સાહન સાથે વહીવટી કામગીરીમાં નોંધપાત્ર સુધારો લાવવામાં પણ મદદરૂપ સાબિત થશે.