અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત
Aravalli Accident: અરવલ્લીના મોડાસામાં આવેલા માઝુમ બ્રિજ પાસે નવમી ઓગસ્ટ રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝુમ નદીમાં ખાબકી હતી, જેમાં ત્રણ યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
ચારેય મૃતકો શિક્ષક હતા
મળતી માહિતી મુજબ, અરવલ્લી બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ ઉપરથી પસાર થતી કાર અચાનક પાણી ભરેલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 4 યુવકોના કરૂણ મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબિદ મરડિયા, દીપક મેવાડા હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય યુવાનો મોડાસામાં ટ્યુશન ક્લાસિસ તેમજ ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.