Get The App

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના 1 - image

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી નજીક હૃદયદ્રાવક ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક ભીષણ આગ લાગતાં તેમાં સવાર ચાર લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા.

નવજાત શિશુને અમદાવાદ લઈ જવાતું હતું

મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશભાઈ મોચીના તાજા જન્મેલા (ઉં.વ. 1 દિવસ) બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ગોઝારી ઘટના બની હતી, જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા. એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું.

મૃતકના નામ

જીગ્નેશ મોચી: (ઉં.વ. 38) – નવજાત શિશુના પિતા.

જીગ્નેશભાઈનું તાજું જન્મેલું બાળક: (ઉં.વ. 1 દિવસ).

રાજકરણ રેટીયા: (ઉં.વ. 30) – ડોક્ટર.

ભુરીબેન મનાત: (ઉં.વ. 23) – નર્સ.

એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા અને દાઝી ગયેલા અન્ય ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે, જેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર અંકિત ઠાકોર (ઉં.વ. 24), ગૌસંગકુમાર મોચી (ઉં.વ. 40) અને ગીતાબેન મોચી (ઉં.વ. 60)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસ શરૂ 

મોડાસા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. એમ્બ્યુલન્સમાં આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags :