ગુજરાતમાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું સફળ આયોજન, 23 હજારથી વધુ નાગરિકો-સિવિલ ડિફેન્સ સ્ટાફે લીધો ભાગ
Mock Drill and Blackout In Gujarat : પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' ચલાવીને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટ થયું હતું. કેન્દ્રીય ગૃહ વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાતના 18 જિલ્લાઓમાં આજે બુધવારે (7 મે, 2025) સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે 4 કલાકે રાજ્યના વિવિધ 18 જિલ્લાના 74 સ્થળોએ સુરક્ષાના ભાગરૂપે સાયરન વાગ્યા બાદ મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલમાં ટ્રેનિંગ મેળવેલા કુલ 13069 નાગરિકોએ તથા 10000 જેટલા સિવિલ ડિફેન્સ સ્ટાફે સક્રિય ભાગ લીધો હતો.
રાજ્યના તમામ જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે 24 કલાક હોટલાઈન તેમજ સેટેલાઈટ ફોન કાર્યરત કરવામાં આવ્યા હતા. આ જિલ્લાઓમાં ઈનકમિંગ એર રેડ, ફાયર ઇન ધ બિલ્ડિંગ, સર્ચ એન્ડ રેસ્ક્યુ, કેઝ્યુઆલિટી ઈવેક્યુએશન ફ્રોમ ધ ડેમેજ્ડ બિલ્ડિંગ્સ, સેટિંગ અપ ઓફ ટેમ્પરરી હોસ્પિટલ તથા ઈવેક્યુએશન ઓફ સિવિલિયન્સ ફ્રોમ એનડેન્જર્ડ એરિયાઝ ટુ બેન્કર્સ એન્ડ ડીમિલીટરાઈઝ્ડ ઝોન્સ જેવી કુલ 6 પરિસ્થિતિ દરમિયાનની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રી અને રાજ્યના મુખ્ય સચિવ આજે બુધવારે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજીને મોક ડ્રીલનું વર્ચ્યુઅલ નિદર્શન અને પ્રગતિ સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ લાઈટો કરાઈ બંધ
પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' ચલાવીને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં બ્લેકઆઉટ થયું. રાજ્યના અલગ અલગ સમયે ક્ષેત્ર પ્રમાણે 7:30 વાગ્યાથી તબક્કાવાર બ્લેકઆઉટનું આયોજન કરાયું હતું. પૂર્વ ગુજરાતના 7 જિલ્લા (ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા)માં 7:30 થી 8:00 કલાક સુધી, પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લા (જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબી)માં 8:00 થી 8:30 કલાક સુધી, મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદ)માં 8:30 થી 9:00 વાગ્યા સુધી બ્લેક આઉટનું આયોજન કરાયું હતું. આ અગાઉ રાજ્યના વિવિધ સ્થળોએ મોક ડ્રીલ પણ યોજાઈ હતી, જે દરમિયાન લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની માહિતી આપવામાં આવી હતી.