વડોદરામાં કોઇ પણ ઇમરજન્સીને પહોંચી વળવા બે સ્થળે મોકડ્રીલ અને બ્લેકઆઉટ
વડોદરાઃ પાકિસ્તાનમાં આંતકીઓ પર કરાયેલી એરસ્ટ્રાઇકને પગલે યુધ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે કોઇ પણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે આજે શહેરમાં બે સ્થળે મોકડ્રીલ યોજાઇ હતી.
શહેરમાં સંભવિત આતંકી હુમલો તેમજ કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો અફરાતફરીનો માહોલ ના સર્જાય તેમજ હિંમત પૂર્વક સ્થિતિનો મુકાબલો કરી શકાય તે હેતુથી મકરપુરા ઓએનજીસી ખાતે તેમજ ગોરવા રોડ પરના ઇનઓર્બિટ મોલ ખાતે બપોરે ચાર વાગે મોકડ્રીલ યોજાઇ હતી.
સાયરન વાગતાં જ દોડધામ શરૃ થઇ હતી અને પોલીસ,ફાયર બ્રિગેડ,હોમગાર્ડ, સિવિલ ડીફેન્સ સહિતના વિભાગોના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. ઉપરોક્ત સ્થળોએ આગ કાબૂમાં લેવા તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી.
ત્યારબાદ રાતે ૭.૩૦ વાગે બ્લેકઆઉટ માટે અપીલ કરવામાં આવી હોવાથી તમામ વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.કલેક્ટર તેમજ પોલીસ કમિશનર સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મોકડ્રીલ અને અંધારપટની કવાયત સફળ ગણાવી હતી.
મોકડ્રીલ બાદ તમામ વિભાગો દ્વારા મૂલ્યાંકન કરી ક્ષતિઓ દુરસ્ત કરાશે
ઇમરજન્સીને પહોંચી વળવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી વડોદરામાં પણ મોકડ્રીલ યોજાઇ હતી.જેમાં જુદી જુદી એજન્સીના વડાઓએ પણ ભાગ લીધો હતો.વડોદરા શહેરમાં ઓએનજીસી તેમજ ગોરવાના મોલ ખાતે તેમજ જિલ્લામાં સાવલી ખાતે મોકડ્રીલ યોજાઇ હતી.આ મોકડ્રીલ બાદ તમામ વિભાગના અધિકારીઓ દ્વારા ટાઇમિંગ સાથે મૂલ્યાંકન કરવામાં આવશે અને ક્ષતિઓ દેખાશે તો તેને દુરસ્ત કરવામાં આવશે.
પોલીસના વાહનો અને રિક્ષાઓ દ્વારા અંધારપટની અપીલ,શહેર અંધારામાં ડૂબ્યું
શહેરમાં અંધારપટ માટે કરાયેલી અપીલને પગલે રાતે અડધો કલાક માટે આખું શહેર અંધારામાં ડૂબી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
વડોદરામાં અંધારપટ માટે ૭.૩૦ થી ૮ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો અને તેને માટે લોકજાગૃતિ લાવવા પોલીસના વાહનો તેમજ રિક્ષાઓ દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ધાર્મિક સ્થળોના લાઉડ સ્પીકરો પરથી પણ અપીલ કરવામાં આવી હતી.
વહીવટીતંત્ર દ્વારા અંધારપટ માટે કરાયેલી અપીલને સારો પ્રતિસાદ મળ્યો હતો અને અડધો કલાક માટે આખું શહેર અંધકાર મય બની ગયું હતું.અનેક વાહન ચાલકોએ પણ એક સાઇડે વાહનો પાર્ક કરીને સહયોગ આપ્યો હતો.
અંધારપટ સફળ બનાવવા અનેક લોકોને અપીલ કરવી પડી
શહેરમાં રાતે અડધો કલાક માટે જાહેર કરાયેલા અંધારપટની અપીલને સફળ બનાવવા માટે રાવપુરા સહિતના કેટલાક વિસ્તારોમાં યુવાનો નીકળી પડયા હતા.વારંવાર જાહેરાત કરવામાં આવી હોવા છતાં કેટલાક દુકાનદારોને લાઇટો બંધ રાખવા કહેવું પડયું હતું અને યુવાનોનો રોષ પારખી તેમણે લાઇટો બંધ કરી હતી.