વડોદરાઃ ભારત-ન્યૂઝિલેન્ડની મેચને અનુલક્ષીને પ્રેક્ષકોના મોબાઇલ અને પાકિટ મારવા માટે કેટલીક પરપ્રાંતીય ગેંગ ઉતરી હોવાની વિગતો બહાર આવી છે.જેમાં સયાજીગંજ પોલીસે યુપીની એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.આ ટોળકી પાસે ક્રિકેટ સ્ટેડિયમ નજીકથી ચોરેલા ૯ મોબાઇલ મળી આવ્યા છે.
વડોદરા નજીક કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે ગઇકાલે યોજાયેલી મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં રસાકસી જોતાં ભારે ભીડ જામે તેમ હતું.જેથી ભીડનો લાભ લઇ પાકિટ અને મોબાઇલ ચોરવા માટે કેટલીક ગેંગ સક્રિય બની હતી.
સયાજીગંજ વિસ્તારમાં મેડિકલ સ્ટોરની સામે જમવાની લારી પર ભેગા થયેલા કેટલાક સાગરીતો મોબાઇલ વેચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી મળતાં પીઆઇ સ્વપ્નિલ પંડયાએ ટીમોને વોચ રાખવા કહ્યું હતું.જે દરમિયાન પોલીસે ત્રણ શકમંદોને ઝડપી પાડતાં મોબાઇલ ચોરીનો ભેદ ખૂલ્યો હતો.
પોલીસે પકડેલા ત્રણ આરોપીઓમાં સુબૂર ફાયક પઠાણ(હમદર્દનગર,અલીગઢ, યુપી),ખાલિદ નિયાઝ મેવાતી(ઔરંગાબાદ ટાઉનશિપ,મેવાતી મહોલ્લા,મથુરા) અને રાશીદ સમસાદ નાઇ(જમાલપુર,અલીગઢ, યુપી)નો સમાવેશ થાય છે.તેમની પાસેથી ૯ મોબાઇલ મળી આવ્યા હતા.પૂછપરછ દરમિયાન એક મોબાઇલ રેલવે સ્ટેશન સામે ચા ની દુકાન પાસેથી અને બાકીના મોબાઇલ સ્ટેડિયમ પાસેથી ચોર્યાની કબૂલાત કરતાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાઇ છે.
વધુ પડતા ઉત્સાહિત હોય તેવા પ્રેક્ષકને ટાર્ગેટ કરી ફોન કાઢી લેતાહતા
મેચ જોવા આવતા પ્રેક્ષકોને લૂંટવાના ઇરાદે વડોદરા આવેલા યુપીના ત્રણ ગુનેગારો એ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે,તેઓ જે પ્રેક્ષક વધુ પડતા ઉત્સાહિત હોય તેવા પર નજર રાખતા હતા.ટીશર્ટ કે અન્ય ચીજો લેવા માટે તેઓ રોકાય એટલે ધક્કામુક્કીનો લાભ લઇ તેમના ખિસ્સામાંથી મોબાઇલ કાઢી લેતા હતા.આ પ્રેક્ષક એટલા ઉત્સાહિત હોય છે કે તેમને મોબાઇલ ચોરાય તેની જાણ પણ થતી નથી.વળી મોટાભાગે ઉપરોક્ત જગ્યાએ જામરને કારણે મોબાઇલ બંધ રહેતા હોય છે.જેથી ચોરો માટે કામ વધુ આસાન બની જતું હતું.
સવારે ટ્રેનમાં આવ્યા,રિક્ષામાં સ્ટેડિયમ પહોંચ્યા,પાછા ફરતા હતા ત્યાંજ પકડાયા
ક્રિકેટ સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકોને ટાર્ગેટ કરવાના આશયથી યુપીથી આવેલા ત્રણેય ગઠિયાઓની પોલીસે પૂછપરછ કરતાં તેઓ સવારે ટ્રેનમાં આવ્યા હતા અને રાતે જે પણ ટ્રેન મળે તેમાં પાછા ફરવાના હોવાની માહિતી મળી હતી.ત્રણેય જણાએ કબૂલ્યું હતું કે, વડોદરા સ્ટેશન સામે ચા પીધા બાદ રિક્ષામાં સ્ટેડિયમ પહોંચ્યા હતા.ત્યાંથી મોબાઇલ ચોર્યા બાદ ફરીથી વડોદરા આવ્યા હતા અને સયાજીગંજ વિસ્તારમાં લારી પર નાસ્તો કરી પરત ફરવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસે દબોચી લીધા હતા.


