લક્ષ્મી વિલાસ હેરિટેજ ગરબામાં મોબાઇલ ચોર ઝડપાયો, ત્રણ મોબાઇલફોન મળી આવ્યા
પાણીના સ્ટોલ ખાતે ધક્કામુક્કીની આડમાં ખેલૈયાઓના મોબાઇલફોન ચોરી થઇ રહ્યા હોવાની બૂમો ઊઠી હતી
લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાતા હેરિટેજ ગરબામાં ભીડનો લાભ લઈ મોબાઇલ ચોરી કરતા એક શખ્સને સિક્યુરિટી ગાર્ડે રંગેહાથ ઝડપી પાડી રાવપુરા પોલીસના હવાલે કર્યો હતો.
ગરબાના ફૂડ કોર્ટ ખાતે આવેલા પાણીના સ્ટોલ પર મોટી સંખ્યામાં ખેલૈયાઓ એકત્ર થતા હતા. નવરાત્રિના પ્રારંભથી જ અહીં ધક્કામુક્કીની આડમાં ખેલૈયાઓના મોબાઇલ ચોરી થવાના બનાવો બનતા હતા. જેના કારણે અનેક ખેલૈયાઓએ સિક્યુરિટી તેમજ પોલીસને ફરિયાદ કરી હતી. જેના પગલે સિક્યુરિટીએ પાણીના સ્ટોલ વિસ્તારમાં ખાસ ચેકિંગ શરૂ કર્યું હતું. ગઈકાલે રાત્રે આ જ સ્થળે મોબાઇલ ચોરી કરતો શખ્સ સિક્યુરિટી ગાર્ડની નજરે ચઢ્યો હતો. સિક્યુરિટી ગાર્ડએ સતર્કતા દાખવી શખ્સને પકડી તરત જ પોલીસને સોપ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી અમિતકુમાર શ્રીરામ મહંતો, રહેવાસી મરાસપુર ગામ, જી. સાહેબગંજ (ઝારખંડ) હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી ત્રણ ખેલૈયાઓના ચોરી થયેલ રૂ. 70 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.