વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેેમ્પસમાં ૪૦૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ સુરક્ષાની દ્રષ્ટિએ કેમ્પસ રેઢું પડેલું છે.સિક્યુરિટી માત્ર કાગળ પર છે.આજે વિદ્યાર્થીઓને ખાડે ગયેલી સુરક્ષાનો વધુ એક કડવો અનુભવ થયો હતો.
સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયની પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓની બેગ વર્ગની બહાર મૂકાવાય છે.આજે મેઈન બિલ્ડિંગ બાદ પરીક્ષા પૂરી થયા પછી વિદ્યાર્થિની પાણી પીવા માટે ગઈ હતી.તે પાછી આવી ત્યાં સુધીમાં બેગમાંથી તેનો મોબાઈલ ગાયબ થઈ ગયો હતો.બેગ જ્યાં મૂકી હતી તે જગ્યાએ સીસીટીવી કેમેરા છે પણ મહિનાઓથી તે ચાલતો નથી અને સત્તાધીશો કેમેરા રિપેર કરાવવાની તસ્દી લેતા નથી.વિદ્યાર્થિની અને તેના વાલીએ જ્યારે ફેકલ્ટીના અધ્યાપકને વાત કરી ત્યારે તેમણે કેમેરા બગડેલા હોવાનું કહ્યું હતું અને ઉલટાનું પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પરીક્ષા દરમિયાન મોબાઈલ ચોરાવાની આ પહેલી ઘટના નથી.દર વખતે પરીક્ષામાં આ રીતે બે-ત્રણ વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાતા હોય છે .કેમ્પસમાં સિક્યુરિટી ખાલી નામની છે.


