Get The App

સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા 1 - image


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

 વહેલી પરોઢે રૃમમાં ઘૂસેલા વ્યક્તિએ ૭૮ હજાર રૃપિયાના ફોન ચોરી લેતા પોલીસની તપાસ

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૩માં રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ચાર જેટલા વિદ્યાર્થીઓના ફોન તેમના રૃમમાંથી ચોરાઈ ગયા હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ૭૮ હજારના મોબાઈલ ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૩માં રૃમ ભાડે રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ પણ ચોરીનો ભોગ બન્યા છે. જે સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વિશાલ ગોપાલભાઈ કેશુર નામના વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગાંધીનગરના સેક્ટર-૩ સી, પ્લોટ નં. ૧૪૭૭/૧ ખાતે ભાડેથી રહે છે અને તેમના મિત્રો સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે.

તેમના રૃમમાં અન્ય મિત્રો પણ રહેતા હોવાથી રૃમનો દરવાજો સામાન્ય રીતે બંધ કરવામાં આવતો નથી. ગુરૃવારની રાત્રે તેઓ લાયબ્રેરીમાંથી વાંચીને રૃમ પર આવ્યા હતા. વહેલી સવારે લગભગ જાગીને જોયું તો તેમના અને અન્ય ત્રણ મિત્રોના મોબાઈલ ફોન મળી આવ્યા નહોતા. જેમાં વિશાલનો મોબાઇલ ફોન તેમજ અન્ય વિદ્યાર્થી અંકિત રમણભાઈ મોઢવાડિયા મિલન જીવાભાઈ જોટવા અને રાજ ભાયાભાઈ ચાવડાનો મોબાઇલ મળીને કુલ ૭૮ હજારના મોબાઈલની ચોરી થઈ હતી. હાલ આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે, અગાઉ પણ કુડાસણ વિસ્તારમાં પીજી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના મોબાઈલ પણ ચોરાયા હતા. જેથી આ ચોરીઓમાં કોઈ ચોક્કસ ગેંગ હોય તેમ લાગી રહ્યું છે.

Tags :