સ્ટાફ નર્સની પરીક્ષા આપવા માટે આવેલી યુવતીનો મોબાઇલ ચોરાયો
સેક્ટર-૨૫માં આવેલા સેન્ટર ઉપર
સિક્યુરિટી કેબિનમાં મૂકેલી બેગમાંથી મોબાઇલ ચોરાઈ જતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી
પાટનગર ગાંધીનગર શહેરમાં અવારનવાર સરકારના વિવિધ વિભાગો
દ્વારા લેવામાં આવતી ભરતીની પરીક્ષાઓ યોજવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ગત
રવિવારે ગાંધીનગરના અલગ અલગ સેન્ટર ઉપર સ્ટાફ નર્સની પરીક્ષા યોજવામાં આવી હતી.
જેમાં અરવલ્લી
જિલ્લાના ભૂડાસણ ગામમાં રહેતી રીતુ ભરતભાઈ પટેલ પણ સેક્ટર ૨૫માં આવેલી વેદ ઇન્ટરનેશનલ
શાળા ખાતેના સેન્ટરમાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી જ્યાં તેણે તેની બેગ શાળાના
સિક્યુરિટી કેબિનમાં મૂકી હતી અને પ્રથમ પેપર આપ્યું હતું ત્યારબાદ તેના મોબાઈલનો
ઉપયોગ કરીને તે બેગમાં મૂકી દીધો હતો. બપોરનું પેપર પૂરું કરીને તે પરત ફરી હતી
ત્યારે બેગમાં તપાસ કરતા મોબાઈલ જોવા મળ્યો ન હતો. જેથી આસપાસના વિસ્તારમાં તપાસ
કરવા છતાં આ મોબાઇલ હાથમાં નહીં આવતા સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
જેના આધારે પોલીસે ૩૦,૦૦૦ના
મોબાઈલની ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.
અત્રે ઉલ્લેખનીએ છે કે, અગાઉ પણ
આ પ્રકારે યોજાયેલી પરીક્ષાઓમાં ઘણા સેન્ટરો ઉપરથી ચોરીની ઘટનાઓ બની હતી. જેનો ભેદ
હજી સુધી ઉકેલવામાં આવ્યો નથી.