ચૂંટણીના પ્રચાર માટે મોબાઈલ કવર,મહિલાઓની શૃંગારની ચીજો પણ માર્કેટમાં
વિક્રેતાઓએ ઉમેદવારોને આકર્ષવા પક્ષના મોટા નેતાઓના ફોટાવાળા મોબાઈલ સ્ટેન્ડ,કવર જેવી ચીજો બનાવાઈ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસની મહિલા ઉમેદવારોને આકર્ષવા પ્રચાર સામગ્રી ઇમિટેશન જ્વેલરી સુધી પહોંચી ગઈ છે. સુરતમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતાઓના ફોટા વાળા પલકર તો ભાજપની મહિલાઓ માટે વડાપ્રધાનના ફોટાવાળા બેંગલ પણ માર્કેટમાં આવ્યા છે.
કોરોના કાળમાં માસ્ક સહિત વિવિધ પાર્ટીના ઝંડાઓ ચૂંટણી સામગ્રીમાં વેચાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસની મહિલાઓ માટે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટા વાળા પલકર તો બીજી બાજુ ભાજપની મહિલા કાર્યકર્તાઓ માટે બેંગલ તૈયાર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાનનો ફોટો છે. જોકે આમ છતાં પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
કોરોનાકાળમાં સીમીત કાર્યકર્તાઓ સાથે સંમેલન અને અનેક ગાઈડલાઈનના કારણે ચૂંટણી પ્રચારની સામગ્રીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 20 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રતીક ગોયલે કહ્યું કે, આટલા વર્ષોમાં ક્યારેય મંદી જોવા નથી મળી, જેટલી મંદી આ વખતે ચૂંટણીમાં જોવા મળી રહી છે. લોકો સોશિયલ મીડિયામાં વધારે પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારોને આકર્ષિત કરવા માટે આ વખતે નવીનતામાં જે તે પક્ષના મોટા નેતાઓના ફોટા વાળા મોબાઇલ સ્ટેન્ડ,કવર તેમજ મહિલાઓ માટે શૃંગારની વસ્તુઓ પણ બનાવી છે.