વડોદરાઃ બાળકોથી માંડીને ટીનએર્જસ અને મોટેરાઓ માટે હવે મોબાઈલ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે.જેણે મોબાઈલ એડિકશનને જન્મ આપ્યો છે.મોબાઈલનું વળગણ હવે એક મોટી સામાજિક સમસ્યાનું સ્વરુપ લઈ રહ્યું છે.
મોબાઈલની લત લાગી હોવાથી સાયકોલોજિસ્ટ અને સાયક્યાટ્રિસ્ટ પાસે તેની સારવાર કરાવનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે.એમ.એસ.યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ દ્વારા કાઉન્સિલિંગ સેન્ટર ચલાવવામાં આવે છે અને આ સેન્ટરમાં એક જ વર્ષમાં ૪૦ લોકો મોબાઈલની લત છોડાવવા માટે કાઉન્સિલિંગનો સહારો લીધો છે.
કાઉન્સિલિંગ સેન્ટરના ઈન્ચાર્જ અને સાયકોલોજી વિભાગના અધ્યાપક ડો.શાનુ અગ્રવાલ કહે છે કે, કોરોના બાદ મોબાઈલ એડિક્શનના કિસ્સાઓની સંખ્યામાં વધારો થયો છે.૨૦૨૫-૨૬ના વર્ષમાં અમારી પાસે અલગ અલગ પ્રકારની સમસ્યા માટે ૨૫૦ લોકો કાઉન્સિલિંગ અને થેરાપી માટે આવ્યા છે અને તેમાં મોબાઈલ એડિક્શનના ૪૦ લોકોનો સમાવેશ થાય છે.મોબાઈલ એડિક્શનના આટલા કેસ અમારા સેન્ટરમાં અગાઉ ક્યારેય આવ્યા નથી.આ ૪૦ પૈકી ૬ જેટલા પ્રાઈમરી સ્કૂલના બાળકો અને ૪૦ વર્ષથી વધુ વયના બે વ્યક્તિઓનો પણ સમાવેશ થતો હતો.ડો.અગ્રવાલના કહેવા પ્રમાણે કાઉન્સિલિંગ અને થેરાપી બાદ જરુર પડે તો અમે લોકોને સાયક્યાટ્રિસ્ટ પાસે પણ મોકલી આપતા હોય છે.
મોબાઈલ એડિક્શનના કયા પ્રકારના લક્ષણો જોવા મળ્યા
--તમામ કેસમાં રોજનો સરેરાશ સ્ક્રીન ટાઈમ ૭ કલાક કરતા વધારે, એક કેસમાં તો ૧૧ કલાક
--બાળકોમાં સતત યુ ટયુબ પર વિડિયો જોવાનું ચલણ
--કામના ભોગે પણ મોબાઈલનો સતત ઉપયોગ
--પરિવારના સભ્યો સાથે સાવ ઓછી વાતચીત, કોઈ ટકોર કરે તો ગુસ્સો આવવો
--વ્યસ્ક વ્યક્તિઓના કેસોમાં મોબાઈલ પર સતત રીલ જોયા કરવી
--સામાજિક પ્રસંગોમાં સામેલ થવા માટે આનાકાની અને સામેલ થાય તો એન્ક્ઝાઈટી અનુભવવી
--રોજ બરોજના કામો કરવામાં પણ આળસ
--ફોન પાસે ના હોય તો ગભરાટ અને ઉચાટનો અનુભવ
મોબાઈલ એડિક્શન કોને કહેવાય તેની જાગૃતિ નથી
નિષ્ણાતોનું કહેવું છે કે, સૌથી મોટી તકલીફ એ છે કે, મોબાઈલ એડિક્શન અંગે લોકોમાં વધારે જાણકારી કે જાગૃતિ નથી.ઉપરાંત હવે ઘણા કામો પણ મોબાઈલ પર જ થતા હોવાથી લોકોનો સરેરાશ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે.જોકે મોબાઈલના કારણે જો રોજિંદા કામો પણ કરવાનું મન ના થતું હોય અથવા એ કામો ના થતા હોય તો તે મોબાઈલ એડિક્શનનું એક મોટું લક્ષણ ચોક્કસપણે કહી શકાય.
મોબાઈલથી કેવી રીતે દૂર રહેવું તેની સમજ અપાય છે
ડો.શાનુ અગ્રવાલ કહે છે કે, મોબાઈલનું વળગણ છોડાવવા માટે અમે કાઉન્સિલિંગમાં તબક્કાવાર મોબાઈલથી દૂર કેવી રીતે રહેવાય તેના ઉપાય બતાવીએ છે.જેમ કે સવારે ઉઠીને તરત જ મોબાઈલ હાથમાં લેવાની ટેવ હોય તો અમે સવારે પથારીમાંથી ઉભા થયા બાદ મોબાઈલની જગ્યાએ પાંચ થી દસ મિનિટ સ્ટ્રેચિંગ કરવાની સલાહ આપીએ છે.આ સિવાય દિવસના ચોક્કસ સમયગાળા દરમિયાન મોબાઈલથી એક થી દોઢ કલાક દૂર રહી શકાય તે માટે પણ સૂચન કરીએ છે.લોકોને માનસિક રીતે મક્કમ બનાવવા માટે પણ પ્રયાસ કરીએ છે.


