વડોદરાના નવાપુરામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને બે એન્જિનિયર ઉપર ટોળાનો હુમલો : 4ની અટકાયત
Vadodara Crime : વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રસ્તાની કામગીરી દરમ્યાન બેરીકેડ મૂક્યા હોવા છતાં પસાર થતા બાઈક સવાર યુવકોને એન્જિનિયરે રોકવાનો પ્રયાસ કરતા થયેલી માથાકૂટમાં ટોળાએ બે એન્જિનિયરને માર મારી તેમજ કોન્ટ્રાક્ટર સાથે ઝપાઝપી કરતા ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમા સાવલી રોડ ખાતે રહેતા અને રાજ ઇન્સ્ટ્રાસ્ટ્રક્ચર નામે કન્સ્ટ્રક્શન કંપની ધરાવતા રાજ રાવએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનના રસ્તાનો કોન્ટ્રાક્ટ મારી કંપનીને મળે છે, શિયાબાગ ત્રણ રસ્તાથી બગીખાના અને જયરત્ન ચારરસ્તા સુધી રસ્તાની કામગીરી ચાલી રહી હોય મેં મારી પત્ની તથા દીકરી સાથે કન્સ્ટ્રક્શન સાઈટની વિઝીટ માટે નીકળ્યો હતો, મટન પેલેસ શોપ નજીક એક ટોળું અમારા એન્જિનિયર કુશ મોદી અને દેવર્ષિ તંબોલીને માર મારતું હતું. જેથી મેં છોડાવવા વચ્ચે પડતા મને પણ અપશબ્દ કહી મારી સાથે ઝપાઝપી કરી હતી. અને મારી પત્નીને પણ ધક્કો માર્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં સ્થળ પર પહોંચેલી પોલીસે નિખિલ ચેતનભાઇ ખારવા, રિતિક રમેશભાઈ ખારવા, ભરત જયંતીલાલ ખારવા અને રમેશ પ્રભુદાસ ખારવા (તમામ રહે-વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. બંને એન્જિનિયરોને ઓછીવત્તી ઈજા પહોંચી હતી. તેમજ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મારામારી, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
એન્જિનિયરે બાઇકની ચાવી કાઢી લેતા મામલો બિચક્યો
રસ્તાની મિલિંગ (રોડ છોલવુ/કાપવું) કામગીરીના કારણે માર્ગ ઉપર લુસ મટીરીયલ હોવાથી સ્થળ પર અનિચ્છિય ઘટના ન ઘટે તે માટે બેરીકેડ મૂક્યા હતા. દરમ્યાન ત્રીપલ સવારી બાઈક સવાર યુવકો પસાર થતા એન્જિનિયરે તેમને કામગીરી ચાલી રહી હોવાથી અકસ્માત ન સર્જાય તે માટે આગળ જતા રોક્યા હતા. આ દરમ્યાન એન્જિનિયરે બાઇકની ચાવી કાઢી લેતા મામલો બિચક્યો હતો. અને અચાનક ઘસી 15 થી 20 લોકોનું ટોળું ઘસી આવ્યું હોવાનું જાણવા મળે છે.