ઉમરેઠ શહેર ભાજપ મંડલ પ્રમુખ હાર્દિક પટેલની નિમણૂંક સામે MLA નો વિરોધ
- પરિવારમાં એક વ્યકિત, એક હોદ્દાનો નિયમ લાગુ કરવાની માગ
- હાર્દિકના પિતા પ્રકાશ પટેલનું એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું લેવાયું : સાંસદ મિતેષ પટેલ અને ધારાસભ્ય ગોવિંદ પરમાર વચ્ચેનો વિખવાદ સપાટી પર આવ્યો
ધારાસભ્યએ રજૂઆત કરી હતી કે, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂંક કરવામાં આવી છે. તેના પિતા પ્રકાશભાઈ પટેલ હાલ ઉમરેઠ એપીએમસીના ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ચેરમેન અને ઉમરેઠ ખરીદ-વેચાણ સંઘના પણ ડીરેક્ટર છે. આણંદ જિલ્લા કાર્યાલય ખાતે સંગઠનની ચૂંટણીના નિયમો જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં જણાવાયું હતું કે, એક વ્યક્તિ, એક હોદ્દો અનુસાર નિયમ લાગુ પડશે. પરિવારમાં પણ હોદ્દો હશે તો ફોર્મ રદ ગણવામાં આવશે. તો આ વ્યક્તિ માટે આ નિયમ લાગુ પડતો નથી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમજ અન્ય કાર્યકર્તાઓને નિમણૂંક આપવા માંગ કરી હતી. તેવામાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ શહેર/તાલુકા મંડલ પ્રમુખ માટે એક જ પરિવારમાં બે હોદ્દા ન હોવા જોઈએ તે નિયમ મુજબ ઉમરેઠ શહેર પ્રમુખ હાર્દિક પટેલના પિતા પ્રકાશ પટેલનું એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યા હતા કે, પ્રકાશ પટેલે એપીએમસીના ચેરમેન પદેથી આપેલું રાજીનામું જિલ્લા રજિસ્ટ્રારને સોંપવાનું હોય તેના બદલે પક્ષને રાજીનામું સોંપ્યું છે. સંગઠન પર્વ વખતે મેં નિરીક્ષકોને ધારાસભ્ય તરીકે મારો હાર્દિક સામે વિરોધ છે તેવી લેખિત જાણ પણ કરી હતી છતાં પક્ષે તેની નિમણૂંક કરી છે.
નોંધનીય છે કે, હાર્દિકના પિતા પ્રકાશ પટેલ સાંસદ ગુ્રપના ખાસ માણસ ગણાય છે. જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમાયેલા સુભાષભાઈ પરમાર ધારાસભ્યના જૂથના માણસ ગણાય છે. ૨૦૨૦-૨૧ની ચૂંટણીઓમાં ભાજપના મેન્ડેટ પર જીતેલા રમીલાબેન કનુભાઈ પટેલને પાલિકા પ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં પરંતુ પ્રકાશ પટેલની દરમિયાનગીરીથી તેમને વિદેશ પ્રવાસ જવાનું બહાનું મુકાવી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. પાલિકાના ઉપપ્રમુખ રમેશ તળપદાને પાલિકા પ્રમુખનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હાલના પાલિકા પ્રમુખ કનુભાઈ શાહ પણ પ્રકાશ પટેલના ખાસ માણસ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સાંસદના જૂથ દ્વારા જૂના કાર્યકરોનું પત્તુ કાપીને સાઈડ લાઈન કરવામાં આવતું હોવાથી સાંસદ અને ધારાસભ્યોના જૂથ સામસામે આવી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રકાશ પટેલને 2009 માં ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા હતા
ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પ્રકાશ પટેલને વર્ષ ૨૦૦૯માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરિણામે તે એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના નેજા હેઠળ પાલિકાની ચૂંટણી લડતા હાર મેળવી હતી. બાદમાં વર્ષ ૨૦૧૩-૧૪માં ભાજપમાં પુનઃ જોડાયા હતા અને વર્ષ ૨૦૧૪માં પાલિકાની પેટા ચૂંટણી જીત્યા હતા. વર્ષ ૨૦૨૦-૨૧ની સામાન્ય ચૂંટણીમાં તેમણે વોર્ડ નં.૪માંથી ઉમેદવારી કરી હતી પરંતુ ગેરરીતિના આક્ષેપોને પગલે હાર મેળવી હતી.
પ્રકાશના પત્ની બે ટર્મ માટે પાલિકાના પ્રમુખ રહ્યાં હતાં
પ્રકાશ પટેલ ભાજપના મેન્ડેટ ઉપર ઉમરેઠ એપીએમસીમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે તેમના પત્ની સંગીતાબેન ૨૦૧૫-૧૬થી ૨૦૨૦-૨૧ દરમિયાન ઉમરેઠ પાલિકાના પ્રમુખ રહ્યાં હતાં. તે સમયે પ્રકાશ પટેલે પત્નીના પ્રમુખપદનો દૂરઉપયોગ કરી ગેરરીતિ આચરી હોવાના આક્ષેપ લાગ્યા હતા. ગેરરીતિ સામે તપાસની માંગ માટે અનેકવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો થવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું.