મીઠીરોહરઃ વેર હાઉસનાં ગોદામમાંથી ચોખાની બોરીઓ ચોરનાર ચાર ઝડપાયા
બાવળની ઝાડીમાં છૂપાવેલી ચોખાની ૨૬ બોરી ઉપરાંત બે બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જેઃ ચોરીનું નેટવર્ક ભેદવા પોલીસની તપાસ
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં મીઠીરોહરમાં ખાતે આવેલા મહાલક્ષ્મી વેર હાઉસ એન્ડ એલાઈડ ઇન્ડસ્ટરીઝ નામના ગોદામમાં કોઈ અજાણ્યા શખ્સો ગોદામનું શટર તોડી ગોદામમાં રાખેલા ૫૦ કી. ગ્રામ વજન વાળી ચોખાની કુલ ૨૬ બોરીઓ જેની કુલ કિંમત રૂ. ૫૨,૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા. જેની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. જે બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગણતરીનાં કલાકોમાં ચોખાની બોરીઓ ચોરી કરનાર ૨૫ વર્ષીય સિકંદર રમજુ સોઢા (રહે. ખારીરોહર ગાંધીધામ), ૨૧ વર્ષીય શોયબ ઉર્ફે શબીર ઈલિયાસભાઈ કકલ, ૧૯ વર્ષીય સાહીલ ઉર્ફે કટપ્પા અબ્બાસ સોઢા અને ૨૭ વર્ષીય અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ સોઢા (રહે. ત્રણેય મીઠીરોહર ગાંધીધામ)ને મીઠીરોહરની સીમમાં મીટ ઇન્ડિયા કંપનીનાં પાછળ બાવળોની ઝાડીમાંથી ચોરી કરેલી ચોખાની ૫૦ કિલ્લોની ૨૬ બોરીઓ જેની કુલ કિંમત રૂ.૫૨,૦૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે તમામ ચારેય આરોપી પાસે ચોખાની બોરીઓ સાથે બે બાઈક સહીત કુલ રૂ. ૧,૨૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.