જામનગર શહેર અને જિલ્લામાં આજે સતત બીજા દિવસે વહેલી સવારે ઝાકળભીની સવાર
Jamnagar Weather : જામનગર શહેર અને જિલ્લામાં આજે ભેજનું પ્રમાણ 98 ટકા રહયું હોવાથી ઝાકળભીની સવાર થઈ હતી, અને ઘાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. તેમજ વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનું મિશ્ર વાતાવરણ બનેલું જોવા મળી રહ્યું છે.
આજે સવારે પણ વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. અને આજે પણ ભેજનું પ્રમાણ 98 ટકા થઈ જતાં ઝાકળના કારણે વહેલી સવારે વાહનચાલકોને પોતાના વાહનો ચલાવવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી. લાઈટ ચાલુ કરીને તેમજ વાઈપર સાથે વાહન ચલાવવાનો વારો આવ્યો હતો.
ઉપરાંત માર્ગો પરથી પાણીના રેલા ઉતરી ગયા હતા. છેક સવા નવ વાગ્યા બાદ સૂર્ય નારાયણના દર્શન થતાં ધીમે ધીમે ઝાકળનું પ્રમાણ ઘટ્યું હતું. તે દરમિયાન વહેલી સવારે મોર્નિંગમાં નીકળેલા લોકો, તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ વગેરેને હાલાકી વેઠવી પડી હતી.
એટલું જ માત્ર નહીં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પવનની તીવ્રતામાં પણ વધારો થયો હતો, અને પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા ઠંડા પવને લોકોને ધ્રુજાવ્યા હતા, અને સવારે ઠંડી તથા બપોરે ગરમી સહિતનું મિશ્ર વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી સેન્ટિગ્રેડ જયારે મહત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30 થી 35 કિ.મીની ઝડપે રહી હતી.