Get The App

ખરીદીમાં ખોટીપોઃ સારી મગફળીને નામંજૂર રખાતાં ખેડૂતોનો હોબાળો

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ખરીદીમાં ખોટીપોઃ સારી મગફળીને નામંજૂર રખાતાં ખેડૂતોનો હોબાળો 1 - image

સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવની ખરીદીમાં માથાકૂટના મંડાણ : હવા, ઉતારો, ડેમેજ નિયમાનુસાર છતાં વિસાવદર કેન્દ્રમાં અમુક ડોડવા પર ધૂળ ચોંટી હોવાના બહાના હેઠળ હેરાન કરવાનો પ્રયાસ

જૂનાગઢ, : ટેકાના ભાવની મગફળીમાં બબાલ શરૂ થઈ ગઈ છે. વિસાવદરમાં ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોની મગફળી ખોટી રીતે રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો. ખેડૂતોની રજૂઆત હતી કે, સારી એવી મગફળી હોવા છતાં વધુ પડતી ધૂળ હોવાના બહાના બતાવી રિજેક્ટ કરવામાં આવે છે. જો સારી મગફળી રિજેક્ટ થશે તો વિસાવદર તાલુકાના એકપણ ખેડૂતની મગફળી ખરીદી શકાય તેમ નથી તેમ કહી ખેડૂતોએ જવાબદારોનો ઉધડો લેતા અંતે રિજેક્ટ કરેલી મગફળી ખરીદી લેવાનું શરૂ કર્યું હતું.

દર વખતે ટેકાના ભાવની ખરીદીમાં પૈસા લેવાના મુદ્દે, ખેડૂતોની સારી મગફળી રિજેક્ટ કરવાના મુદ્દે, ખેડૂતોને એક તાલુકામાંથી બીજા તાલુકામાં મગફળી વેંચવા મોકલવાના મુદ્દે બબાલ થાય છે. મગફળી ખરીદી શરૂ થઈ તેને ચાર દિવસ થયા ત્યાં ધીમે-ધીમે વિરોધ, બબાલ, હોબાળો શરૂ થઈ ગયો છે. વિસાવદરમાં મગફળી બે ખરીદીના સેન્ટર  શરૂ થયા છે. આજે સવારે જે ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા તે ખેડૂતની સારી મગફળી હોવા છતાં ડોડવા ઉપર થોડી ધૂળ ચોંટી હોવાથી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતે અન્ય ખેડૂતો તથા આમ આદમી પાર્ટીના આગેવાનોને જાણ કરતા તેમણે ખરીદ સેન્ટર પર પહોંચી મંડળીના સંચાલકોનો ઉધડો લીધો હતો. ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો કે મગફળી ખરીદીના નિયમ મુજબ હવા, ઉતારો, ડેમેજ બધુ નિયમ મુજબ હોવા છતાં એકાદ-બે ફોતરા પર ધૂળ હોવાનું કહી મગફળી રિજેક્ટ કરવામાં આવે છે તે ચલાવવામાં નહી આવે. જો આવી સારી મગફળીને રિજેક્ટ કરવામાં આવશે તો વિસાવદર તાલુકાના એકપણ ખેડૂતની મગફળીનું સેમ્પલ પાસ થાય તેમ નથી. મંડળીના સંચાલકો મગફળીના ફોતરા પર નખ વડે ધૂળ કાઢી ખોટી રીતના ખેડૂતોને હેરાન કરવાનો પ્રયત્ન કરતા હોબાળો મચી જતા અંતે સંચાલકોએ ખોટી હેરાનગતી બંધ કરવી પડી હતી અને રિજેક્ટ કરેલી મગફળીનું ફરીવાર સેમ્પલીંગ કરી ટેકાના ભાવમાં ખરીદી કરવી પડી હતી. 

આ મુદ્દે ખેડૂત આગેવાનોએ મંડળીના સંચાલકોને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો કોઈપણ ખેડૂતોને ખોટી રીતના હેરાન કરવામાં આવશે અથવા ખોટી રીતે મગફળી રિજેક્ટ કરવામાં આવશે તો ખરીદી સેન્ટર પર જ વિરોધ-ધરણા સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.