For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મિશન મિલીયન ટ્રી પ્રોજેકટ હેઠળ અમદાવાદમાં ૧૯ લાખ રોપાં રોપાયાં,ખર્ચ કેટલો થયો ?એ અંગે શાસકોની અજ્ઞાનતા

મ્યુનિ.ના પ્લોટ બિલ્ડરોને આપવાની દરખાસ્ત મંજુર કરી દેવામાં આવી

Updated: Sep 22nd, 2022

     

  અમદાવાદ,ગુરુવાર,22 સપ્ટેમ્બર,2022

મિશન મિલીયન ટ્રી પ્રોજેકટ હેઠળ આ વર્ષે ૨૧ લાખ રોપા શહેરના વિવિધ વિસ્તારમાં રોપવાનું લક્ષ્યાંક નકકી કરાયુ હતુ.આ લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં ૧૯ લાખ રોપા રોપવામા આવ્યા હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો છે.૧૯ લાખ રોપાં રોપવા પાછળ મ્યુનિ.તંત્રે કેટલી રકમનો ખર્ચ કર્યો એ અંગે શાસકોએ પોતાની અજ્ઞાાનતા વ્યકત કરી હતી.અમદાવાદના વિવિધ વિસ્તારમા આવેલા મ્યુનિ.ના ખુલ્લા પ્લોટ બિલ્ડરોને ભાડે આપવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

આ વર્ષે ચોમાસાની મોસમ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિશન મિલીયન ટ્રી અંતર્ગત ૨૧ લાખ રોપા મ્યુનિ.હસ્તકના પ્લોટ ઉપરાંત વિવિધ વિસ્તારમા જુદી જુદી જગ્યાએ રોપવા જાહેરાત કરી હતી.સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનના કહેવા પ્રમાણે,અત્યારસુધીમા શહેરના વિવિધ વિસ્તારમા કુલ ૧૯ લાખ રોપા રોપવામા આવ્યા છે.૧૯ લાખ રોપા રોપવા પાછળ કુલ કેટલી રકમનો મ્યુનિ.તંત્રે ખર્ચ કર્યો? ગત વર્ષે જેટલા રોપાં રોપવામા આવ્યા હતા એ રોપા પૈકી કુલ કેટલા રોપા આ વર્ષે જીવીત રહયા છે? વગેરે જેવી વિગત પુછતા ચેરમેને કહયુ,એ વિગત મેં ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન પાસે માંગી નથી.

એરકવોલીટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત શહેરમા ૮૧ કરોડથી વધુની રકમના કામ હાથ ધરવા અંગે રજુ કરાયેલી દરખાસ્ત મંજુર કરાઈ છે.સ્મશાન અને ગાર્ડન વિભાગની આ પ્રોગ્રામ હેઠળ કરવામા આવનારી કામગીરી માટે બંને વિભાગને ફાળવવામા આવેલી રકમમા અનુક્રમે દસ-દસ કરોડનો વધારો કરવામા આવ્યો છે.

નેશનલ ગેમ્સ દરમિયાન શહેરના રસ્તા-બ્રીજ રોશનીથી ઝળહળી ઉઠશે

એક તરફ શહેરના અનેક વિસ્તારમાં મ્યુનિ.ના લાઈટ વિભાગ તરફથી સ્થાપિત કરાયેલા વીજપોલ છેલ્લા ઘણા સમયથી બંધ છે.આ અંગે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ તહેવારો સમયે શહેરમા તમામ વીજપોલ ચાલુ રહે એવી વ્યવસ્થા ગોઠવવા તંત્રને તાકીદ કરાઈ હતી.બીજી તરફ ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓકટોબર સુધી શહેરમા યોજાનારા ૩૬મી નેશનલ ગેમ્સ દરમિયાન વિવિધ રસ્તા ઉપરાંત બ્રીજ ઉપરાંત સર્કલ તથા એરપોર્ટ સંલગ્ન રસ્તા તથા ખેલાડીઆના હોટલના રોકાણના રસ્તાઓ ઉપર લાઈટની વ્યવસ્થા કરવા તાકીદની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમા મંજુર કરાઈ હતી.

શહેરના મોબાઈલ ટાવરની વિગત મ્યુનિ.વેબસાઈટ ઉપર મુકાશે

અમદાવાદના સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમા વિવિધ મોબાઈલ કંપનીઓના ટાવર  આવેલા છે.આ ટાવર મુકવા માટે જે તે કંપનીઓ દ્વારા મ્યુનિ.ની પરમીશન લીધી છે કે કેમ?તેના ભાડા કે લાયસન્સ ફી પેટે મ્યુનિ.ને કેટલી આવક થાય છે? વગેરે મુદ્દાઓ સાથેની વિગત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મુકવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમા તંત્રને એક સપ્તાહનો સમય આપવામા આવ્યો છે.

Gujarat